

વડોદરા , 19 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરના અક્ષરચોક વિસ્તારમાં પૂરઝડપે આવી રહેલી ફોરવ્હીલ કારના ચાલકે દંપતીને અડફેટે લેતા અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં મહિલા ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ઇજાગ્રસ્ત મહિલાના આક્ષેપ મુજબ, કાર ચાલક નશાની હાલતમાં પૂરઝડપે કાર ચલાવી રહ્યો હતો. મહિલાએ કારની અંદર દારૂની બોટલ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. કારમાં ચાલક ઉપરાંત અન્ય કેટલાક ઈસમો પણ સવાર હોવાનું સામે આવ્યું છે.
અકસ્માાત બાદ કારમાં સવાર એક ઈસમ નીચે ઉતર્યો હતો, જેને લઈ સ્થળ પર હાજર ઉશ્કેરાયેલા કેટલાક નાગરિકોએ તેની સાથે મારામારી કરી હતી. દરમિયાન કાર ચાલક પોતાની ફોરવ્હીલ લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
અકસ્માાતની ઘટનાને પગલે અક્ષરચોક ખાતે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જે.પી. રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને નશાની હાલતમાં કાર ચલાવવાના આક્ષેપોને લઈ કારચાલકને પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ કાર્યવાહી શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ