


પોરબંદર, 19 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદરમાં જન્માષ્ટમીના પવિત્ર પર્વ નિમિત્તે યોજાનારા પરંપરાગત લોકમેળાને લઈને મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે લોકમેળામાં પોરબંદર ઉપરાંત આસપાસના જિલ્લાઓ અને અન્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોવાથી મુલાકાતીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આ પાંચ દિવસીય લોકમેળા માટે રૂપિયા 15 કરોડનું વીમા કવચ લેવાનો મહત્વપૂર્ણનિર્ણય કરવામાં આવ્યો છે.
લોકમેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો એક જ સ્થળે એકત્રિત થતા હોવાથી કોઈ આકસ્મિક દુર્ઘટના કે અકસ્માત સર્જાવાની સ્થિતિમાં અસરગ્રસ્ત વ્યક્તિ અને તેના પરિવારને આર્થિક સહાય મળી રહે તે હેતુથી વીમા કવચ લેવામાં આવ્યું છે. આ અંગે મનપા દ્વારા વીમા કંપનીને પ્રીમિયમ ચૂકવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જરૂરી વહીવટી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી છે. આકસ્મિક મૃત્યુ થાય તો પરિવારને 10 લાખ આ વીમા કવચ હેઠળ મેળામાં આવતા કોઈ મુલાકાતીનું અકસ્માત કે અન્ય આકસ્મિક ઘટનામાં મૃત્યુ થાય તો મૃતકના પરિવારને રૂપિયા 10 લાખ સુધીની આર્થિક સહાય મળવાપાત્ર રહેશે. મેળામાં મોટી સંખ્યામાં પરિવારો બાળકો અને વૃદ્ધો સાથે આવતા હોય છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના બને તો પરિવારને તાત્કાલિક આર્થિક સહારો મળી રહે તે દૃષ્ટિએ આ જોગવાઈ મહત્વપૂર્ણ બની રહેશે. કાયમી અપંગતા માટે 7.5 લાખનું કવચ મેળા દરમિયાન અકસ્માતને કારણે કોઈ વ્યક્તિને કાયમી અપંગતા કે દિવ્યાંગતા આવે તો તેને રૂપિયા 7.5 લાખ સુધીની સહાય મળવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત અકસ્માતમાં કોઈ વ્યક્તિને ઈજા થાય અને સારવારની જરૂરિયાત ઊભી થાય તો સારવારના ખર્ચ માટે રૂપિયા 2 લાખ સુધીની રકમ મળવાપાત્ર રહેશે. આમ, મૃત્યુ, કાયમી અપંગતા તેમજ ઈજાની સ્થિતિમાં અલગ-અલગ રીતે આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya