
- મોલોમશી, થ્રિપ્સ, તડતડિયા, સફેદમાખી તથા ઈયળોના નિયંત્રણ માટે ખેડૂતોને જરૂરી પગલાં લેવા અનુરોધ
જૂનાગઢ, 19 ઓગસ્ટ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને મગફળીના ઊભા પાકમાં ચૂસિયા જીવાતો તેમજ ચાવીને ખાનાર જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે ખેડૂતો ઉપયોગી માર્ગદર્શન જાહેર કરવામાં આવ્યું છે.
મગફળીના પાકમાં મોલોમશી જીવાતના ઉપદ્રવનો પ્રાથમિક અંદાજ મેળવવા તેમજ તેના નિયંત્રણ માટે ખેતરમાં પીળા ચીકણા ટ્રેપ (સ્ટીકી ટ્રેપ) ગોઠવવા, ખેતરમાં મોલોને ખાઈ જનારા દાળિયાની વસ્તી વધુ જણાય તો જંતુનાશક દવાનો છંટકાવ મુલતવી રાખવો.
લીલી ઈયળ તથા પાન ખાનાર ઈયળના નિયંત્રણ માટે હેક્ટર દીઠ ૫થી ૬ ફેરોમોન ટ્રેપ ગોઠવી તેમાં પકડાતા નર ફૂદાંનો નાશ કરવો. આમ કરવાથી ફૂદાં દ્વારા મૂકવામાં આવતાં ઈંડાંમાંથી ઈયળોની સંખ્યા ઘટાડી શકાય છે.
ચૂસિયા જીવાતો તેમજ લીલી ઈયળ અને પાન ખાનાર ઈયળના નિયંત્રણ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ ટકા અર્ક) અથવા લીંબોળીનું તેલ ૩૦થી ૪૦ મિ.લી. અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લી. (૧ ઈસી)થી ૪૦ મિ.લી. (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. ઉપરાંત લીલી ઈયળ તથા પાન ખાનાર ઈયળના જૈવિક નિયંત્રણ માટે બીવેરીયા બેસીયાના ફૂગનો પાવડર ૪૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસ જીવાણુનો પાવડર ૧૦ ગ્રામ અથવા આ જીવાતનું ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ (એન.પી.વી.) ૧૦ મિ.લી. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો હિતાવહ છે.
લીલી ઈયળ તથા પાન ખાનાર ઈયળનો ઉપદ્રવ વધુ જણાય ત્યારે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લી. અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લી. અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસએલ ૧૦ મિ.લી. અથવા ફ્લુબેન્ડીએમાઈડ ૪૮ એસસી ૩ મિ.લી. અથવા સ્પીનોસાડ ૪૫ એસએલ ૩ મિ.લી. અથવા નોવાલ્યુરોન ૧૦ ઈસી ૨૦ મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૨૦ એસસી ૩ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અને જરૂર જણાય તો ૧૦થી ૧૨ દિવસ બાદ કોઈપણ એક દવાનો બીજો છંટકાવ કરવો જરૂરી છે.
મોલોમશી, થ્રિપ્સ, તડતડિયા અને સફેદમાખી જેવી ચૂસિયા જીવાતોનો ઉપદ્રવ ક્ષમ્ય માત્રા કરતાં વધુ હોય ત્યારે ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લી. અથવા થાયોમિથોકઝામ ૭૦ ડબલ્યુએસ ૩ ગ્રામ અથવા થાયમીથોક્ઝામ + લેમ્ડા સાયહેલોથ્રિન ૨૨ ઝેડસી ૨.૫ મિ.લી. અથવા ડિનોટેફ્યુરાન ૨૦ એસજી ૩ ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ. જરૂર જણાય તો ૧૦થી ૧૨ દિવસ બાદ બીજો છંટકાવ કરવો.
દવાનો ઉપયોગ કરતી વખતે દવાના લેબલ પર આપવામાં આવેલી સૂચના મુજબ જે તે પાક માટે, દર્શાવેલ ડોઝ તથા જે તે રોગ/જીવાત માટેની ભલામણનું પાલન કરવું પણ જરૂરી છે.
આ અંગે વધુ જાણકારી માટે ખેડૂતો પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અથવા નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરી શકશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ