
કચ્છ, 19 ઓગસ્ટ (હિ.સ.) : આદિપુર પોલીસની કાર્યવાહીથી અસામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો. કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આદિપુર પોલીસે પ્રોહીબીશન સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા એક યુવાન વિરુદ્ધ હદપારીની કાર્યવાહી હાથ ધરી તેને કચ્છ જિલ્લામાંથી બે મહિના માટે તડીપાર કરાવ્યો છે.
સરહદી રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ-ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો સામે અસરકારક પગલાં લેવા પોલીસ તંત્રને સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ દ્વારા કાર્યવાહી આગળ ધપાવવામાં આવી હતી.
આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળાના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવણી ધરાવતા ઇસમ પ્રદીપસિંહ દિનેશસિંહ રાજપુત, ઉંમર ૧૯ વર્ષ, રહે. ઓમ મંદિર પાછળના ઝૂંપડા, મણીનગર, આદિપુર, તાલુકો ગાંધીધામ વિરુદ્ધ હદપારીની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલી દરખાસ્તની કાયદેસરની પ્રક્રિયા બાદ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, અંજાર દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી.
આ હુકમના પગલે પ્રદીપસિંહ દિનેશસિંહ રાજપુતને કચ્છ જિલ્લો તેમજ કચ્છ જિલ્લાને અડીને આવેલા જિલ્લાઓમાંથી બે માસના સમયગાળા માટે હદપાર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. પોલીસની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો પર નિયંત્રણ લાવી જાહેર શાંતિ અને સલામતીનું વાતાવરણ જાળવી રાખવાનો છે.
આ સમગ્ર કામગીરીમાં આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.એમ. ડુવા તથા આદિપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસની આ કાર્યવાહીથી પ્રોહીબીશન સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં કાયદાનો કડક સંદેશ પહોંચ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar