ક્ષારગ્રસ્ત જમીનથી કુદરતી ખેતી સુધી: ભચાઉમાં ૫૦ ખેડૂતોને, આધુનિક કૃષિનું વૈજ્ઞાનિક જ્ઞાન અપાયું
કચ્છ, 19 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છના ખેડૂતોને ખેતીમાં આવતી સમસ્યાઓના વ્યવહારુ અને વૈજ્ઞાનિક ઉકેલો મળી રહે તે હેતુથી વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ ખાતે ATMA પ્રોજેક્ટના સહયોગથી એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તા. ૧૨ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ યોજાયેલી
ભચાઉ ખાતે તાલીમ યોજાઈ


ભચાઉ ખાતે તાલીમ યોજાઈ


કચ્છ, 19 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છના ખેડૂતોને ખેતીમાં આવતી સમસ્યાઓના વ્યવહારુ અને વૈજ્ઞાનિક ઉકેલો મળી રહે તે હેતુથી વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ ખાતે ATMA પ્રોજેક્ટના સહયોગથી એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તા. ૧૨ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ યોજાયેલી આ તાલીમમાં આશરે ૫૦ ખેડૂતોએ ભાગ લઈ આધુનિક કૃષિ પદ્ધતિઓ, પાક સંરક્ષણ, પાણી વ્યવસ્થાપન અને સરકારી સહાય અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી.

તાલીમ દરમિયાન કચ્છની ક્ષારીય તેમજ સમસ્યાગ્રસ્ત જમીનોને ખેતીલાયક અને વધુ ઉત્પાદક બનાવવા માટે સંકલિત પોષકતત્ત્વ વ્યવસ્થાપન પર વિશેષ ભાર મૂકાયો હતો. ડૉ. નરેન્દ્રસિંહ આર. બુંબડિયાએ જમીનની સ્થિતિનું પરીક્ષણ, પાકની જરૂરિયાત મુજબ પોષકતત્ત્વોનો ઉપયોગ અને જમીનની ફળદ્રુપતા જાળવવા અંગે ખેડૂતોને વૈજ્ઞાનિક માર્ગદર્શન આપ્યું હતું.

ખરીફ પાકોમાં જીવાત અને રોગોના વધતા જોખમને ધ્યાનમાં રાખીને ડૉ. રવિકુમાર વાણિયાએ સંકલિત જીવાત અને રોગ વ્યવસ્થાપન અંગે સમજ આપી હતી. પાકમાં રોગ કે જીવાતની સમયસર ઓળખ કરી યોગ્ય નિયંત્રણ પદ્ધતિ અપનાવવાથી નુકસાન ઘટાડી શકાય તે અંગે તેમણે માર્ગદર્શન આપ્યું હતું.

ડૉ. યોગેશ રાઠવાએ, પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અને તેના વ્યવહારુ ઉપયોગ વિશે માહિતી આપી હતી. સ્થાનિક કુદરતી સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરી ખેતીને વધુ ટકાઉ બનાવવાના વિવિધ પાસાં તેમણે સમજાવ્યા હતા. શ્રી પરવાડીયા રાજે સહભાગી સિંચાઈ વ્યવસ્થાપન અંગે માહિતી આપતાં પાણીનો કરકસરભર્યો ઉપયોગ અને સિંચાઈમાં ખેડૂતોની સહભાગિતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

બાગાયત અધિકારી રાહુલ પ્રજાપતિએ બાગાયતી ખેતી માટેની વિવિધ સરકારી યોજનાઓ, સહાય અને સબસિડી અંગે માહિતી આપી હતી. ATMAના નરેન્દ્રભાઈએ વિભાગની પ્રવૃત્તિઓ તથા ખેડૂતો માટે ઉપલબ્ધ વિવિધ કાર્યક્રમોથી માહિતગાર કર્યા હતા.

તાલીમના અંતે ખેડૂતોને સંશોધન કેન્દ્રની પ્રાયોગિક મુલાકાત કરાવવામાં આવી હતી. વર્મીકમ્પોસ્ટ યુનિટ, સ્વયંસંચાલિત જીવામૃત પ્લાન્ટ, નિદર્શન પ્લોટ અને વિવિધ કૃષિ પ્રયોગોનું નિરીક્ષણ કરાવી ટેકનોલોજીના પ્રત્યક્ષ ઉપયોગ અંગે સમજ આપવામાં આવી હતી. આ તાલીમથી ખેડૂતોને સંશોધન આધારિત જ્ઞાનને પોતાની ખેતીમાં અપનાવવા માટે ઉપયોગી માર્ગદર્શન મળ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande