ભચાઉ-ગાંધીધામમાં LCBનો દારૂ પર પ્રહારઃ રૂ.6.14 લાખનો મુદ્દામાલ જપ્ત, બે કેસમાં કાર્યવાહી
કચ્છ, 19 ઓગસ્ટ (હિ.સ.) ભચાઉ અને ગાંધીધામ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ સામે પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી બે અલગ-અલગ પ્રોહિબિશનના કેસ ઝડપી પાડ્યા છે. એલ.સી.બી.ની ટીમે ભચાઉ તાલુકાના મોટી ચીરઈ ગામ નજીક તેમજ ગા
ચિરઈ થી પકડાયેલ મુદ્દામાલ


કચ્છ, 19 ઓગસ્ટ (હિ.સ.) ભચાઉ અને ગાંધીધામ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ સામે પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી બે અલગ-અલગ પ્રોહિબિશનના કેસ ઝડપી પાડ્યા છે.

એલ.સી.બી.ની ટીમે ભચાઉ તાલુકાના મોટી ચીરઈ ગામ નજીક તેમજ ગાંધીધામની જૂની સુંદરપુરી વિસ્તારમાં દરોડા પાડી વિદેશી દારૂ સહિત કુલ રૂ.6,14,011નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આ બંને બનાવોમાં સંબંધિત પોલીસ મથકોમાં ગુના નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પૂર્વ કચ્છમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર નિયંત્રણ મેળવવા એલ.સી.બી. દ્વારા સતત પેટ્રોલિંગ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળાના માર્ગદર્શન હેઠળની ટીમને મળેલી બાતમીના આધારે ભચાઉ અને ગાંધીધામ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી ચીરઈ ગામ પાસે માઈકો પ્લાયવુડ કંપની નજીક આવેલી એક કરિયાણાની દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. પોલીસને ત્યાંથી અલગ-અલગ બ્રાન્ડની 750 એમ.એલ.ની વિદેશી દારૂની 18 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.15,621 હોવાનું નોંધાયું છે.

આ ઉપરાંત રૂ.30,000ની હીરા સ્પ્લેન્ડર મોટરસાયકલ, રૂ.5 લાખની કિયા કાર અને રૂ.15,000નો મોબાઈલ ફોન મળી કુલ રૂ.6,10,621નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને પકડવામાં આવ્યો છે, જ્યારે રાજપાલસિંહ અરવિંદસિંહ ઝાલા, રહે. મોટી ચીરઈ, પોલીસ કાર્યવાહીથી ફરાર હોવાનું જણાવાયું છે.

બીજી તરફ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની સુંદરપુરી ખાતે રહેણાંક મકાનમાં દરોડો પાડતાં 8 PM બ્રાન્ડની 180 એમ.એલ.ની 24 બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત રૂ.3,390 આંકવામાં આવી છે. આ કેસમાં મિલન ગોવિંદભાઈ પાતારિયા નામનો આરોપી સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો.

સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા, પી.એસ.આઈ. ડી.જી. પટેલ તથા એલ.સી.બી.ના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીથી પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande