
કચ્છ,19 ઓગસ્ટ (હિ.સ.) ભુજ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ અભિયાનના ભાગરૂપે ભુજ શહેર બી-ડિવિઝન પોલીસે આલાવારા કબ્રસ્તાન નજીક ધુકી ફળિયા વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા પર સફળ દરોડો પાડી પાંચ લોકોને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રોકડ રૂ. 23,700નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે આલાવારા કબ્રસ્તાન વિસ્તારમાં કેટલાક લોકો જાહેર સ્થળે ગેરકાયદેસર રીતે જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સુનિયોજિત દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા પાંચ વ્યક્તિઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ કબજે કરી હતી. પોલીસે સ્થળનું પંચનામું તૈયાર કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા આરોપીઓમાં ફેજલ આમદ ગગડા, દિલાવર અબ્દુલ પઠાણ, હિના મહેશભાઈ ભાનુશાળી, મેમુના અલી સમા અને સારુબેન અબ્દુલ ખલીફાનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ ભુજ શહેરના અલગ-અલગ વિસ્તારોના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ગેરકાયદેસર જુગાર, દારૂ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવી છે. જાહેર સ્થળોએ આવી પ્રવૃત્તિઓ ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કાયદાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.
આ સમગ્ર કામગીરી પોલીસ ઈન્સપેક્ટર એસ. એમ. રાણાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. બાતમી મેળવવામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ કે. પટણીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. ઉપરાંત પોલીસ હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ એલ. મકવાણા, પોલીસ કોન્સ્ટેબલ નાનુ જે. કરમટા તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ જયશ્રી પી. સાધુએ દરોડાની કામગીરીમાં સક્રિય સહભાગી બની સફળતા મેળવી હતી. પોલીસની આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવનાર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar