કલેક્ટર બન્યા બાળકોના ‘સહભોજી’! નારણપર રોહાની શાળામાં પૌંઆનો સ્વાદ માણી મધ્યાહન ભોજનની કામગીરીને બિરદાવી
કચ્છ,19 ઓગસ્ટ (હિ.સ.) કલેક્ટર બન્યા બાળકોના ‘સહભોજી’! નારણપર રોહાની શાળામાં પૌંઆનો સ્વાદ માણી મધ્યાહન ભોજનની કામગીરીને બિરદાવી કચ્છ જિલ્લામાં બાળકોના શિક્ષણ સાથે તેમના પોષણ અને સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપવાના પ્રયાસો સતત આગળ વધી રહ્યા છે. આ
કચ્છ કલેક્ટરે શાળાની મુલાકાત લીધી


કચ્છ,19 ઓગસ્ટ (હિ.સ.) કલેક્ટર બન્યા બાળકોના ‘સહભોજી’! નારણપર રોહાની શાળામાં પૌંઆનો સ્વાદ માણી મધ્યાહન ભોજનની કામગીરીને બિરદાવી

કચ્છ જિલ્લામાં બાળકોના શિક્ષણ સાથે તેમના પોષણ અને સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપવાના પ્રયાસો સતત આગળ વધી રહ્યા છે.

આ અંતર્ગત કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ નારણપર રોહા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીની મુલાકાત લઈને બાળકો સાથે સમય વિતાવ્યો હતો.

તેમણે શાળા વ્યવસ્થાપન, શિક્ષકો તથા આંગણવાડીની કામગીરી અંગે માહિતી મેળવી બાળકોને મળતી સુવિધાઓની પણ સમીક્ષા કરી હતી.

મુલાકાત દરમિયાન કલેક્ટરએ વિદ્યાર્થીઓ સાથે સહજ વાતચીત કરી તેમના અભ્યાસ, દૈનિક પ્રવૃત્તિઓ અને શાળામાં મળતી સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી. ત્યારબાદ તેમણે શાળામાં કાર્યરત મધ્યાહન ભોજન વ્યવસ્થાની જાતે મુલાકાત લઈને રસોઈ અને ભોજનની ગુણવત્તા અંગે નિરીક્ષણ કર્યું હતું.

સરકારના નિર્ધારિત મેનુ અનુસાર તૈયાર કરવામાં આવેલા પૌંઆનો કલેક્ટરએ જાતે સ્વાદ માણ્યો હતો. રસોઈ બહેનો દ્વારા પ્રેમપૂર્વક પીરસવામાં આવેલા ભોજનની ગુણવત્તા અને સ્વાદની પ્રશંસા કરતા તેમણે મધ્યાહન ભોજન સાથે જોડાયેલી બહેનોની મહેનત, સ્વચ્છતા અને જવાબદારીપૂર્વકની કામગીરીને બિરદાવી હતી.

કલેક્ટરનો આ સહજ અભિગમ જોઈ શાળા પરિવાર અને ગ્રામજનોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.

આ મુલાકાત દરમિયાન શાળા અને આંગણવાડીની જરૂરિયાતો અંગે પણ સ્થળ પર જ ચર્ચા કરવામાં આવી હતી. બાળકોને મધ્યાહન ભોજન માટે વધુ સુવિધાજનક વાતાવરણ મળી રહે તે હેતુથી કલેક્ટરએ ભોજન શેડની સુવિધા માટે રૂ. ૫ લાખની ગ્રાન્ટ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.

કલેક્ટરશના આ નિર્ણયથી નારણપર રોહા ગામની શાળા અને આંગણવાડીની સુવિધામાં વધારો થવાની સાથે બાળકોને વધુ સારો માહોલ મળશે. ગ્રામજનો, શાળા પરિવાર અને પંચાયતના પ્રતિનિધિઓએ બાળકોના હિતને કેન્દ્રમાં રાખીને લેવાયેલા આ નિર્ણય બદલ જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. નારણપર રોહાની આ મુલાકાતે શિક્ષણ, પોષણ અને લોકાભિમુખ વહીવટ વચ્ચેના સુમેળનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande