
મહેસાણા, 19 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે વર્ષ 2026-27ની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ 2.0 ફરીથી ખુલ્લું મુકવામાં આવ્યું છે. ખેડૂતો 20થી 26 ઓગસ્ટ દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે.
બાગાયત વિભાગની HRT-2 અને HRT-4 યોજનાઓ હેઠળ આંબા તથા જામફળની ફળપાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ તેમજ ટિશ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય માટે અરજી કરી શકાશે. આંબા અને જામફળની ઉત્પાદકતા વધારવાની યોજના સામાન્ય જાતિના ખેડૂતો માટે છે, જ્યારે ટિશ્યુ કલ્ચર ખારેકની ખેતી માટે સામાન્ય તેમજ અનુસૂચિત જાતિના ખેડૂતો અરજી કરી શકશે.
ખેડૂતોએ https://ikhedut.gujarat.gov.in/ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી પ્રક્રિયામાં આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત છે. આધાર ઓથેન્ટિકેશન વગરની અરજીઓ માન્ય ગણાશે નહીં. અરજીમાં જણાવેલા જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે અને તેની પ્રિન્ટ સાચવી રાખવાની રહેશે.
અરજી મંજૂર થયા બાદ ઓનલાઈન આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર ક્લેઈમ સબમિટ કરવાનો રહેશે. ત્યારબાદ જરૂરી પુરાવા અને દસ્તાવેજો સાથે સહી કરેલી નકલ નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. એસ-2, બ્લોક નં. 1, બહુમાળી ભવન, મહેસાણા ખાતે નિયત સમયમાં રૂબરૂ જમા કરાવવાની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR