
મહેસાણા, 19 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે આવેલા ડૉ. એન.પી. પટેલ આઈ.ટી.આઈ.માં રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો અને ખાનગી ક્ષેત્રમાં રોજગારી મેળવવાની તક પ્રાપ્ત કરી હતી.
રોજગાર કચેરી, મહેસાણા અને આઈ.ટી.આઈ.ના સહયોગથી યોજાયેલા ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. લાયક ઉમેદવારોની સ્થળ પર જ પસંદગી કરવામાં આવી હતી. જેના કારણે 200થી વધુ યુવાનોને સીધી રોજગારીની તકો મળી હતી.
ભરતીમેળામાં ITIના ફિટર, વેલ્ડર, RFM/SMW, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, પેઈન્ટર, PPO અને COPA સહિતના ટ્રેડમાં તાલીમ મેળવનારા ઉમેદવારો ઉપરાંત ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા યુવાનોને પણ રોજગારીની તકો આપવામાં આવી હતી.
આ પ્રસંગે રોજગાર કચેરી, મહેસાણા તથા ડૉ. એન.પી. પટેલ આઈ.ટી.આઈ.ના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ભરતીમેળા દરમિયાન વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓએ ઉમેદવારોની લાયકાત અને કૌશલ્યના આધારે પસંદગી પ્રક્રિયા હાથ ધરી હતી. આવા રોજગાર મેળા યુવાનોને ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તકો પૂરી પાડે છે. સાથે જ યુવાનોને ઉપલબ્ધ રોજગાર અને કૌશલ્ય આધારિત તકોનો મહત્તમ લાભ લઈ આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR