મહેસાણામાં ફૂડ વિભાગની કાર્યવાહી, 16 હોટલ-રેસ્ટોરન્ટમાંથી બિનઆરોગ્યપ્રદ ખોરાક ઝડપાયો
મહેસાણા, 19 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાત્રિના સમયે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ડેઝિગ્નેટેડ ઓફિસર વી.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ત્રણ ટીમોએ મહેસાણા શહેર સહિત કડી, સતલાસ
મહેસાણામાં ફૂડ વિભાગની કાર્યવાહી, 16 હોટલ-રેસ્ટોરન્ટમાંથી બિનઆરોગ્યપ્રદ ખોરાક ઝડપાયો


મહેસાણા, 19 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાત્રિના સમયે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ડેઝિગ્નેટેડ ઓફિસર વી.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ત્રણ ટીમોએ મહેસાણા શહેર સહિત કડી, સતલાસણા, ખેરાલુ અને વિસનગર તાલુકામાં આવેલી 30 જેટલી હોટલ, રેસ્ટોરન્ટ અને નાસ્તા હાઉસમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન 16 એકમોમાં બિનઆરોગ્યપ્રદ અને વાસી ખાદ્ય પદાર્થો મળી આવતા તેમને કાયદેસરની નોટિસ આપવામાં આવી છે. તંત્રની ટીમોએ સ્થળ પર જ અખાદ્ય ખોરાકનો નાશ કર્યો હતો.

ફતેપુરા બાયપાસની હોટલ હાઈવે, જય દ્વારકાધીશ હોટલ અને માલગુડી ફૂડ ઇનમાં બળેલું તેલ, વાસી ચટણી, સિંથેટિક ફૂડ કલર અને વાસી શાકભાજી મળી આવ્યા હતા. ત્રણેય એકમોની હાઈજેનિક સ્થિતિ અત્યંત ખરાબ જણાતા કામગીરી બંધ કરવાની સૂચના અપાઈ હતી.

મહેસાણાના જલારામ ગાંઠિયા, ઇસ્કોન ગાંઠિયા, મહાદેવ એન્ટરપ્રાઈઝ અને મુરલી ફૂડ એન્ડ કેફેમાંથી બાફેલા બટાકા તથા અખાદ્ય તેલનો નાશ કરાયો હતો. કડીમાં રાજપૂરોહિત દાલબાટી, હોટલ કલાપી, માં કાઠિયાવાડી રેસ્ટોરન્ટ અને હોટલ ટ્રાન્ક્વિલમાંથી ખરાબ ડુંગળી અને વાસી સમોસા સહિતનો જથ્થો મળી આવ્યો હતો.

વિસનગરમાં પણ વિવિધ એકમોમાં તપાસ દરમિયાન શંકાસ્પદ અને વાસી ખાદ્ય પદાર્થો મળ્યા હતા. તમામ 16 એકમોને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે. સૂચનાઓનું પાલન નહીં થાય તો ફૂડ લાયસન્સ સ્થગિત કરવા સહિતની કડક કાર્યવાહી કરવાની તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande