1100 વર્ષ જૂના કંથરાવી ગામની ઓળખ બન્યું, અતિ પૌરાણિક સોફળ માતાજીનું મંદિર
મહેસાણા, 19 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાનું કંથરાવી ગામ તેની પ્રાચીન પરંપરા અને ધાર્મિક વારસાને કારણે આગવી ઓળખ ધરાવે છે. અંદાજે 1100 વર્ષ જૂનું મનાતું આ ગામ વસ્યું તે પહેલાંથી જ અહીં સોફળ માતાજીનું મંદિર હોવાની સ્થાનિક માન્યતા છે.
1100 વર્ષ જૂના કંથરાવી ગામની ઓળખ બન્યું 1300થી 1400 વર્ષ જૂનું સોફળ માતાજીનું મંદિર


મહેસાણા, 19 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાનું કંથરાવી ગામ તેની પ્રાચીન પરંપરા અને ધાર્મિક વારસાને કારણે આગવી ઓળખ ધરાવે છે. અંદાજે 1100 વર્ષ જૂનું મનાતું આ ગામ વસ્યું તે પહેલાંથી જ અહીં સોફળ માતાજીનું મંદિર હોવાની સ્થાનિક માન્યતા છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ આ મંદિર અંદાજે 1300થી 1400 વર્ષ જૂનું હોવાનું મનાય છે.

સ્થાનિક માન્યતા મુજબ કંથરાવી પહેલાં આ વિસ્તારમાં રણાસણ અને પુણાસણ નામના 100 પોળ ધરાવતા ગામો હતાં. આ 100 પોળના નામ પરથી માતાજીનું નામ ‘સોફળ માતાજી’ પડ્યું હોવાનું કહેવાય છે. મંદિર પરિસરમાં 1008 આદેશ તેમજ ગુરુદેવ શ્રી બાલકનાથજી મહારાજ અને ગુરુ શ્રી જોઈતાનાથજીની સમાધિ આવેલી છે. અહીં વર્ષોથી અવિરત ધૂણી સળગી રહી છે. ગુરુ માટે પોતાનો જીવ આપનાર શ્વાનની પણ સમાધિ આવેલી છે.

મંદિર પરિસરમાં ગંગનાથ મહાદેવ, મહાકાળી માતાજી અને ભૈરવદાદાનાં મંદિરો પણ આવેલાં છે. દર વર્ષે ભાદરવા મહિનાની ચૌદસના દિવસે અહીં મોટો મેળો ભરાય છે, જેમાં કંથરાવી ઉપરાંત આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

મંદિર સાથે લગ્નજીવનની પરંપરા પણ જોડાયેલી છે. નવદંપતી લગ્ન બાદ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવે છે. લગ્ન બાદ ‘છેડાછેડી’ છોડાવવાની વિધિ માટે પણ દંપતી અહીં આવે છે. મુંબઈમાં રહેતા કંથરાવીના જૈન પરિવારોમાં પણ આ પરંપરા જળવાઈ છે.

આમ, સદીઓ જૂનું સોફળ માતાજીનું મંદિર કંથરાવી ગામની શ્રદ્ધા, સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત પ્રતીક બની રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande