
મહેસાણા, 19 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલના બે વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલી કામગીરી, સંસદીય રજૂઆતો અને જનસેવાના કાર્યોનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. મહેસાણા કમલમ ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, પ્રભારી ભરત ડાંગર અને જિલ્લા પ્રમુખ ગીરીશ રાજગોરની ઉપસ્થિતિમાં 160 પાનાની ‘સિદ્ધિ બુક’નું વિમોચન કરાયું હતું.
અહેવાલ મુજબ સાંસદે ચૂંટણી બાદ મહેસાણા લોકસભા વિસ્તારના 510 ગામોની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળ્યા છે. ગંભીર બીમારીથી પીડાતા 41 દર્દીઓને PMNRF અને CMRFમાંથી કુલ ₹92.16 લાખની સહાય અપાવવામાં સહયોગ કર્યો છે. સંસદમાં રેલવે, આરોગ્ય, કૃષિ, શિક્ષણ, રોજગાર અને પ્રાદેશિક વિકાસ સહિતના વિવિધ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે.
રેલવે કનેક્ટિવિટી વધારવા નવી સેવાઓ, વંદે ભારત ટ્રેનના વિસ્તરણ, મહેસાણા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 7ની લંબાઈ વધારવા તથા વિવિધ ઓવરબ્રિજ-અંડરબ્રિજ અંગે રજૂઆતો કરાઈ છે. પીલુન્દ્રા ગામના રેલવે અંડરપાસમાં ભરાતા પાણીના નિકાલ માટે ભૂગર્ભ જળ રિચાર્જ પ્રોજેક્ટ પણ હાથ ધરાયો છે.
ઊંઝામાં સ્પાઇસ પાર્ક, મસાલા સંશોધન કેન્દ્ર, મહેસાણામાં AI સેન્ટર અને AIIMS જેવી સુવિધાઓ માટે પણ માંગ કરાઈ છે. સાંસદ નિધિમાંથી બે વર્ષમાં કુલ 523 વિકાસકાર્યો માટે આશરે ₹8.77 કરોડની ભલામણ કરવામાં આવી છે. સાંસદ કાર્યાલય દ્વારા 5,500થી વધુ પત્રો વિવિધ વિભાગોને લખવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR