

મહેસાણા, 19 ઓગસ્ટ (હિ.સ.) માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ વધારવાના હેતુથી RTO મહેસાણા ટીમ દ્વારા વિવિધ સ્થળોએ માર્ગ સલામતી અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
RTO મહેસાણા ટીમ દ્વારા 17 ઓગસ્ટના રોજ વડનગર સ્થિત હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓને માર્ગ સલામતીના નિયમો અંગે માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ, ટ્રાફિક નિયમોનું પાલન તેમજ સલામત રીતે વાહન ચલાવવા અંગે સમજ આપવામાં આવી હતી. શ્રદ્ધાળુઓને માર્ગ સલામતી અંગેના પેમ્ફલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત 18 ઓગસ્ટના રોજ ઐઠોરની પટેલ એમ.એચ. હાઈસ્કૂલ ખાતે RTO ટીમ દ્વારા વિદ્યાર્થીઓ માટે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો, વાહન ચલાવતી વખતે રાખવાની સાવચેતી તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સના મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી.
RTO ટીમ દ્વારા વિદ્યાર્થીઓને લાઇસન્સ વિના વાહન ન ચલાવવા અને માર્ગ પર પોતાની તેમજ અન્ય લોકોની સલામતીને પ્રાથમિકતા આપવા અપીલ કરવામાં આવી હતી. માર્ગ અકસ્માતો ઘટાડવા માટે નિયમોનું પાલન કરવું જરૂરી હોવાનું જણાવી વધુમાં વધુ લોકો સુધી માર્ગ સલામતીનો સંદેશ પહોંચાડવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR