
મહેસાણા, 19 ઓગસ્ટ (હિ.સ.) : ઉનાવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટના ગુનામાં છેલ્લા આઠેક માસથી નાસતો ફરતો આરોપી કરજણ ટોલનાકા નજીકથી મહેસાણા LCBની ટીમે ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે કરજણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને ત્યારબાદ ઉનાવા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
મહેસાણા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના હેઠળ LCB PI એ.એમ. કામળિયાએ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન LCB ટીમના PSI એ.એમ. રાઠોડ, ASI જયેશકુમાર માનસંગભાઈ અને HC રમેશજી સોવનજીને ખાનગી બાતમી મળી હતી કે ઉનાવા પોલીસ સ્ટેશનના NDPS એક્ટ કલમ 8(C), 22(B), 29 મુજબના ગુનામાં ફરાર આરોપી કરજણ ટોલનાકા નજીક રહે છે. બાતમીના આધારે ટીમે કરજણ ટોલનાકા નજીક વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન રાજસ્થાનના બાડમેર જિલ્લાના શોટ તાલુકાના સોડીયાર ગોદરા કી ઢાળી ખાતે રહેતો 32 વર્ષીય સતારામ સન ઓફ ખેતારામ કરનારામ ચૌધરી મળી આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીને કરજણ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી અગાઉ ઉંઝા પોલીસ સ્ટેશનના NDPS એક્ટના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR