

વડોદરા , 19 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલી હોટલ વિન્ટેજ ઇનના રૂમ નંબર 302માંથી 29 વર્ષીય યુવાનનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ પાણીગેટ ખાટકીવાડ વિસ્તારમાં રહેતા ગુલામમુસ્તફા ખુર્શીદઅહેમદ નૈયર તરીકે થઈ છે.
મળતી માહિતી મુજબ, મોડી રાત્રે ગુલામમુસ્તફા નૈયર અને ભાયલી ગામનો કિશન વસાવા હોટલમાં આવ્યા હતા. હોટલ દ્વારા બંનેને શરૂઆતમાં રૂમ નંબર 304 આપવામાં આવ્યો હતો. જોકે, રૂમમાં વીજ પુરવઠો ખોરવાતા બંનેને રાત્રે આશરે 3 વાગ્યે રૂમ નંબર 302માં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
બંને યુવાનો છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપના માધ્યમથી એકબીજાના સંપર્કમાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે અંગત સંબંધ હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. જોકે, આ અંગે પોલીસ દ્વારા સત્તાવાર રીતે કોઈ અંતિમ તારણ આપવામાં આવ્યું નથી.
દરમિયાન ગુલામમુસ્તફાનું રહસ્યમય મોત થતાં તેના મિત્ર કિશન વસાવાએ જ પોલીસને જાણ કરી હતી. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા કિશન વસાવાની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.
ઘટનાની જાણ થતાં ACP અશોક રાઠવા તેમજ રાવપુરા પોલીસ મથકના PI સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે.
હાલ રાવપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ યુવાનના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. હોટલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા દાંડિયાબજાર વિસ્તારમાં પણ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ