
- વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાતના ખેડૂતોના ઊભા પાકને મળશે સંજીવની, પાકને નુકસાન થતું અટકશે
ગાંધીનગર, 19 ઓગસ્ટ (હિ.સ.) : ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન ન થાય અને સમયસર સિંચાઈનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે.
હાલ અમેરિકાના પ્રવાસે ગયેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ટેલિફોનિક સંપર્ક સાધીને ઉત્તર ગુજરાતના ખેડૂતોની સ્થિતિ અંગે લાગણીસભર રજૂઆત કરી હતી. તેમણે સુજલામ સુફલામ યોજના અંતર્ગત સિંચાઈ માટે તાત્કાલિક પાણી ઉપલબ્ધ કરાવવા અનુરોધ કર્યો હતો.
અમેરિકા પ્રવાસે હોવા છતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પરિસ્થિતિની ગંભીરતા અને ખેડૂતોના હિતને સર્વોપરી રાખીને ત્વરિત પ્રતિસાદ આપ્યો હતો. તેમણે વિધાનસભા અધ્યક્ષ તથા કૃષિ મંત્રીને ખેડૂતો માટે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી.
આ ખાતરીને પગલે મુખ્યમંત્રીએ વિદેશથી જ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ધોરણે જરૂરી નિર્દેશો આપ્યા છે. જે અંતર્ગત સુજલામ સુફલામ યોજના હેઠળ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં આવતીકાલ તારીખ 20 ઓગસ્ટથી સિંચાઈ માટેનું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના આ સત્વરે લેવાયેલા નિર્ણયથી ઉત્તર ગુજરાતના હજારો ખેડૂતોને રાહત મળશે અને તેમના પાકને સમયસર પાણી મળતાં મોટું આર્થિક નુકસાન થતું અટકશે.
આ ત્વરિત નિર્ણય બદલ વિધાનસભા અધ્યક્ષ તથા કૃષિ મંત્રીએ ઉત્તર ગુજરાતના ખેડૂતો વતી મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ