
બોટાદ, 19 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાની શ્રી ધારૂકા કેન્દ્રવર્તી શાળાના આચાર્ય મેર પરેશભાઈ શંભુભાઈની શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી, નવીન શૈક્ષણિક પ્રયોગો, સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના પ્રયાસોને ધ્યાને લઈ, રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. તેમની આ સિદ્ધિથી શાળા પરિવાર સહિત સમગ્ર ઉમરાળા તાલુકામાં ગૌરવની લાગણી પ્રસરી છે.
પરેશભાઈ છેલ્લા 16 વર્ષથી શિક્ષણક્ષેત્રે સેવારત છે. તેઓ PTC, M.A. અને B.Ed. જેવી શૈક્ષણિક લાયકાત ધરાવે છે. શિક્ષણને માત્ર પાઠ્યપુસ્તક પૂરતું મર્યાદિત ન રાખી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક અભિગમ, મૂલ્યશિક્ષણ, પર્યાવરણપ્રેમ અને સામાજિક જવાબદારી વિકસે તે માટે તેમણે અનેક નવીન પ્રવૃત્તિઓ હાથ ધરી છે.
સામાજિક વિજ્ઞાન વિષયને સરળ અને રસપ્રદ બનાવવા માટે TLM, ચાર્ટ, વર્કિંગ મોડેલ તથા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ તૈયાર કરાવવા, ઐતિહાસિક સ્થળોની મુલાકાત, બાળ સંસદ, આપત્તિ વ્યવસ્થાપન આધારિત શિક્ષણ અને ઓનલાઈન ક્વિઝ જેવી પ્રવૃત્તિઓ દ્વારા અભ્યાસ સાથે વ્યક્તિત્વ વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે.
તેમણે ‘ચાલો સામાજિક વિજ્ઞાનને સરળ બનાવીએ’, ‘મને ઓળખો’, ‘ચાલો અધ્યયન નિપુણતા સિદ્ધ કરીએ’ અને ‘કોણ બનશે એક્સલન્ટ’ જેવા અનેક શૈક્ષણિક ઇનોવેશન રજૂ કર્યા છે. કોરોના કાળમાં પણ ડિજિટલ માધ્યમથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ચાલુ રાખ્યું હતું. NMMS અને જ્ઞાનસાધના જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ માર્ગદર્શન આપ્યું છે.
પાણી બચાવો, વૃક્ષારોપણ, પક્ષીઓ માટે ચણ-પાણી અને સ્વચ્છતા સહિતની પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓમાં પણ, તેમનું યોગદાન રહ્યું છે. તાલુકા તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સહિત અનેક સન્માન મેળવનાર પરેશભાઈની રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી શિક્ષણક્ષેત્ર માટે ગૌરવની બાબત બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA