
સ્થાનિકો અને લેન્ડલુઝર પરિવારોને રોજગારીમાં પૂરતી તક આપવામાં આવતી ન હોવાના આક્ષેપો
સ્થાનિકોએ કંપનીમાં સ્થાનિક યુવાનોને પ્રાથમિકતા સાથે રોજગારી આપવા કરી માંગણી
સ્થાનિકોએ ટ્વિંકલ મેડમ હાય-હાય અને ભાર્ગવ સાહેબ હાય-હાયના નારા લગાવ્યા
ભરૂચ 19 ઓગસ્ટ (હિ.સ.)
વાગરા તાલુકાના કડોદરા ગામ નજીક આવેલી બીવીસી કંપની સામે સ્થાનિકો દ્વારા રોજગારી સહિતના વિવિધ પડતર પ્રશ્નોને લઈને આજરોજ કંપનીના ગેટ બહાર ધરણાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સ્થાનિકો અને ખાસ કરીને લેન્ડલુઝર પરિવારોને રોજગારીમાં પૂરતી તક આપવામાં આવતી ન હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો ધરણાંમાં જોડાયા હતા. સ્થાનિકોએ કંપનીમાં સ્થાનિક યુવાનોને પ્રાથમિકતા સાથે રોજગારી આપવા તેમજ લાંબા સમયથી પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી.
ધરણાં દરમિયાન સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ ટ્વિંકલ મેડમ હાય-હાય અને ભાર્ગવ સાહેબ હાય-હાયના નારા લગાવી કંપનીના સંબંધિત જવાબદાર અધિકારીઓ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઔદ્યોગિક વિકાસ માટે પોતાની જમીન આપનાર લેન્ડલુઝર પરિવારો અને આસપાસના ગામોના સ્થાનિક યુવાનોને રોજગારી તથા અન્ય બાબતોમાં યોગ્ય હક અને પ્રાથમિકતા મળવી જોઈએ. કંપની દ્વારા સ્થાનિકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ સ્થાનિકો દ્વારા આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
સ્થાનિકોએ કંપની મેનેજમેન્ટને તાત્કાલિક ચર્ચા માટે આગળ આવી સ્થાનિક રોજગારી, લેન્ડલુઝરોના પ્રશ્નો અને અન્ય પડતર પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવા માંગ કરી છે.
હવે બીવીસી કંપનીના મેનેજમેન્ટ દ્વારા સ્થાનિકોની આ રજૂઆત અંગે શું નિર્ણય લેવામાં આવે છે અને રોજગારીના પ્રશ્ને કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ