


વડોદરા , 19 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન ધોવાયેલા રસ્તાઓ અને પડેલા ખાડાઓને કારણે વાહનચાલકોને પડી રહેલી મુશ્કેલીઓ વચ્ચે હવે વડોદરા મહાનગરપાલિકા હરકતમાં આવી છે. વરસાદે વિરામ લેતા ડ્રાય સ્પેલ શરૂ થયો છે, ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રિપેરિંગ અને પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા સર્વે દરમિયાન શહેરમાં આશરે 7 હજાર જેટલા નાના-મોટા ખાડા ચિહ્નિત કરવામાં આવ્યા છે. જેમાં 3 હજારથી વધુ મોટા ખાડાઓનો સમાવેશ થાય છે. ખાડાઓના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય તેમજ ટ્રાફિકની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
હવે પાલિકા દ્વારા રોડ રિપેરિંગ માટે FDR એટલે કે Full Depth Restoration પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અગાઉ માત્ર ઉપરથી ડામર કે સરફેસિંગ કરીને ખાડા પૂરવામાં આવતા હતા, પરંતુ હવે અસરગ્રસ્ત રસ્તાનું કટિંગ અને સ્ક્રેપિંગ કરી યોગ્ય લેવલ સાથે રિપેરિંગ કરવામાં આવશે. જેના કારણે રોડ લાંબા સમય સુધી ટકી રહે તેવી તંત્રની આશા છે.
પાલિકા તંત્રના જણાવ્યા મુજબ, આગામી 15થી 20 દિવસમાં શહેરના ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. દરેક ઝોનમાં વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ એટલે કે ARC હેઠળ કોન્ટ્રાક્ટરો નક્કી કરવામાં આવ્યા છે, જેથી કામગીરીની ગુણવત્તા તેમજ જવાબદારી જળવાઈ રહે.
દરમિયાન પાલિકા કમિશનરે વિવિધ સ્થળોની મુલાકાત લઈ રોડ રિપેરિંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓને ગુણવત્તા સાથે કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. હવે આગામી દિવસોમાં શહેરના મુખ્ય માર્ગો સહિત વિવિધ વિસ્તારોમાં પડેલા ખાડાઓમાંથી નાગરિકોને કેટલી ઝડપથી રાહત મળે છે, તે જોવું મહત્વનું રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ