
પોરબંદર, 19 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર મત્સ્યબંદરના અસ્માવતી ઘાટની મુખ્ય ચેનલમાં રેતીનો ભરાવો થતાં ફિશિંગ બોટોની અવરજવરમાં સર્જાયેલી મુશ્કેલીના નિવારણ માટે હિટાચી મશીનથી કામચલાઉ ચેનલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કામગીરી શરૂ થતાં માછીમારોમાં રાહતની લાગણી જોવા મળી છે. અસ્માવતી ઘાટની મુખ્ય ચેનલમાં રેતી ભરાઈ જવાથી બોટોને દરિયામાં આવવા-જવામાં મુશ્કેલી પડી રહી હતી. આ અંગે પોરબંદર માછીમાર બોટ એસોસીએશન દ્વારા કેબિનેટ મંત્રી તથા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
તા.13 ઓગસ્ટે જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવાએ GMB અને ફિશરીઝ વિભાગના અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરી બોટોની અવરજવર સરળ બનાવવા તાત્કાલિક કામગીરી કરવાની રજૂઆત કરી હતી. ત્યારબાદ હિટાચી મશીન દ્વારા ચેનલમાંથી રેતી દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. ચેનલમાંથી રેતી ઉપાડી કિનારા તરફ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીથી ફિશિંગ બોટોની અવરજવર સરળ બનવાની આશા છે. કામગીરી શરૂ થતાં પોરબંદર માછીમાર બોટ એસોસીએશન અને માછીમાર સમાજે રાહત વ્યક્ત કરી છે.
એસોસીએશને કામગીરી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકી, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણ ખોરાવા તથા કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya