

- પરિવાર બુહારી ગામે પુત્રને મળવા ગયા હતા ત્યારે તસ્કરોએ બનાવ્યો નિશાન.
ભરૂચ, 19 ઓગસ્ટ (હિ.સ.) : જંબુસર તાલુકાના દહરી ગામમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના મળી કુલ 4.61 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે.
દહરી ગામના પીપળ ફળિયામાં રહેતા રાજેન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર પરિવાર સાથે પોતાના પુત્રને મળવા તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે ગયા હતા, પાછળથી ચોરીનો બનાવ બન્યો હતો. પાડોશમાં રહેતા ભીખુ પટેલે ફોન કરી મકાનના લોખંડના ગેટ અને દરવાજાનો નકુચો તૂટેલો હોવાનું જાણ કરતાં પરિવાર દહરી પરત ફર્યો હતો.
મકાનમાં તપાસ કરતાં ત્રીજા રૂમમાં મૂકેલો લાકડાનો કબાટ ખુલ્લો જોવા મળ્યો હતો અને સામાન વેરવિખેર પડેલો હતો. કબાટમાંથી સોનાની બુટીઓ, ઝુમ્મર બુટીઓ, સેટની બુટીઓ, કાનની જડ, સેથી ચાંદલો અને વીંટીઓ મળી કુલ આશરે 375 ગ્રામ સોનાના દાગીના, કિંમત 2,62,500 તથા રજવાડી છડા, પાટલા, છડા, ઝાંઝરી, રાખડીઓ, ચાંદીના સિક્કા અને લક્કી સહિત આશરે 1 કિલો 318 ગ્રામ ચાંદીના દાગીના, કિંમત 1,99,200ની મત્તા ચોરી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આમ કુલ 4,61,700ની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ચાંદીના સિક્કા અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે. પરિવારજનો દ્વારા આસપાસ તપાસ કરવા છતાં ચોરી ગયેલો મુદ્દામાલ મળી આવ્યો નહોતો.
ફરિયાદી રાજેન્દ્રસિંહ પરમારે કાવી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસની જવાબદારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ સોલંકીને સોંપવામાં આવી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.
તસ્કરોએ મકાનના આગળના લોખંડના ગેટ તથા દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. પોલીસ દ્વારા તસ્કરો સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં એક વર્ષથી સતત ચોરીનો બનાવ બનેલો છે ચારથી પાંચ જગ્યાએ થઈને સોના ચાંદી તેમજ અન્ય વસ્તુની અંદાજે લાખોની ચોરી થઈ તેના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે. અમુક ગામોમાં તસ્કરોએ મંદિરોમાં ઘંટ તેમજ અન્ય વસ્તુની ચોરી પણ ચોરી થયેલ છે પરંતુ ચોરોને પકડવામાં હજુ સુધી પોલીસ નિષ્ફળ નીકળી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ