
ભાવનગર, 19 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગરમાં નકલી દારૂ પીવાના બનાવમાં વધુ બે લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે. નકલી રોયલ સ્ટેગ પીધા બાદ અનેક લોકોની તબિયત લથડતાં તેમને ભાવનગરની અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ 20 જેટલા દર્દીઓ સારવાર હેઠળ હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે.
આ બનાવમાં અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા ત્રણ વ્યક્તિઓમાં કાર્તિક અશ્વિનભાઈ મકવાણા (40 વર્ષ, રહેવાસી તળાજા રોડ, ભાવનગર), ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ (25 વર્ષ, રહેવાસી ખરકડી, તાલુકો ઘોઘા) અને નરેન્દ્રસિંહ યાદવ (રહેવાસી ઇન્દોર, મધ્યપ્રદેશ)નો સમાવેશ થાય છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે સમગ્ર મામલાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને સોંપી છે. બીજી તરફ નકલી રોયલ સ્ટેગનું વેચાણ કરનારા ચાર શખ્સોને ડિટેઈન કરવામાં આવ્યા છે. પોલીસ અને SMC દ્વારા નકલી દારૂના ગેરકાયદે વેચાણના નેટવર્કની તપાસ શરૂ કરવામાં આવી છે.
તપાસમાં દારૂ ક્યાંથી આવ્યો હતો, કોને સપ્લાય કરવામાં આવ્યો હતો અને તેની પાછળ કેટલું મોટું નેટવર્ક કાર્યરત છે તે સહિતના મુદ્દાઓ પર તપાસ હાથ ધરાઈ છે. નકલી દારૂના જથ્થા અને તેની હેરફેર સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે પણ માહિતી મેળવવામાં આવી રહી છે.
દરમિયાન સારવાર હેઠળ રહેલા દર્દીઓની સ્થિતિ પર તબીબો સતત નજર રાખી રહ્યા છે. સમગ્ર મામલે તપાસ આગળ વધતાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA