
- વાલીયાનું ગૌરવ શ્રી રંગ નવચેતન વિદ્યામંદિરના ગણિત-વિજ્ઞાન શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મળશે
- શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ વાલીયાના શિક્ષકનું ગાંધીનગરમાં સન્માન થશે
ભરૂચ, 19 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે સમર્પિત કામગીરી કરતા શિક્ષકોનું મનોબળ વધારવા માટે દર વર્ષે 'શ્રેષ્ઠ શિક્ષક સમારોહ'નું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત વર્ષ 2026-27 માટે દક્ષિણ ઝોનના માધ્યમિક વિભાગમાંથી વાલીયા સ્થિત શ્રી રંગ નવચેતન વિદ્યામંદિરના ગણિત-વિજ્ઞાન વિષયના પ્રભાવશાળી શિક્ષક હિરેનકુમાર ચંદ્રકાંત દિહેણીયાની 'શ્રેષ્ઠ શિક્ષક' તરીકે પસંદગી કરવામાં આવી છે. આગામી 5મી સપ્ટેમ્બર 'શિક્ષક દિન'ના પવિત્ર અવસરે ગાંધીનગર ખાતે આયોજિત રાજ્યસ્તરીય સમારોહમાં તેમને આ ગૌરવવંતો પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવશે.
શિક્ષણની સાથે સાથે કલા, સંસ્કૃતિ અને સામાજિક ક્ષેત્રે સતત સક્રિય રહીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત શિક્ષક હિરેનકુમાર ચંદ્રકાંત દિહેણીયાએ દક્ષિણ ઝોન સહિત સમગ્ર ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેઓ વાલિયાની ખ્યાતનામ શાળા શ્રી રંગ નવચેતન વિદ્યામંદિરમાં ગણિત અને વિજ્ઞાન જેવા જટિલ વિષયોને રસપ્રદ અને પ્રાયોગિક શૈલીમાં ભણાવીને વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બન્યા છે.
માત્ર વર્ગખંડ પૂરતા સીમિત ન રહેતાં, તેમણે શિક્ષણક્ષેત્રે નવા ઈનોવેશન, કલા-પ્રવૃત્તિઓ અને વિવિધ સામાજિક કાર્યોમાં શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે. તેમની આ બહુમુખી પ્રતિભા અને શિક્ષણ પ્રત્યેની સમર્પણ ભાવનાને બિરદાવતાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દક્ષિણ ઝોન માધ્યમિક વિભાગમાંથી તેમની આ રાજ્યસ્તરીય એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.
તાજેતરમાં જાહેર કરાયેલી આ પસંદગીથી શાળા પરિવાર, વાલિયા પંથક અને સમગ્ર શૈક્ષણિક સંસ્થાઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. આવનારી 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે ગાંધીનગર ખાતે યોજાનારા વિશેષ શ્રેષ્ઠ શિક્ષક સમારોહ દરમિયાન રાજ્યના મહાનુભાવોના હસ્તે તેમને સન્માનપત્ર અને એવોર્ડ આપીને વિશિષ્ટ બહુમાન આપવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ