
પોરબંદર, 24 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદર
તાલુકાના ઉંટડા ગામ ખાતે બાગાયત વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના ખેડૂતો માટે એક
દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને બાગાયતી
પાકોમાં પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ તેમજ બાગાયત વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓ
અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ
તાલીમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખાપટના વિષય નિષ્ણાત અમિતભાઈ નિનામાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ
આયામો જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, વાપસા અને મિશ્રપાક પદ્ધતિ અંગે
વિગતવાર માહિતી આપી હતી. બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાથી થતા લાભો તેમજ
ખેતીમાં તેના વ્યવહારુ ઉપયોગ અંગે પણ ખેડૂતોને સમજ આપવામાં આવી હતી.
મદદનીશ
બાગાયત નિયામક એન.આર. સોંદરવાએ બાગાયત વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓ, યોજનાઓનો લાભ મેળવવાની પ્રક્રિયા તથા
બાગાયતી પાકોની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી અંગે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું
હતું.
આ
કાર્યક્રમમાં ઉંટડા અને રાતીયા ગામના અનુસૂચિત જાતિના કુલ 75 ખેડૂત ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક
ભાગ લીધો હતો. ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી અને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ અંગે
આપવામાં આવેલી ઉપયોગી માહિતી બદલ આયોજકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya