
સુરત, 25 ઓગસ્ટ (હિ.સ.)-રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બારડોલી તાલુકાના ટીંબરવા ગામની મુલાકાત દરમિયાન ગામના ચોકમાં રાત્રિ સભા યોજી ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે કન્યા કેળવણી, પ્રાકૃતિક ખેતી, ગૌ સંવર્ધન, સ્વચ્છતા, જળસંચય, પર્યાવરણ જતન, જીવનમૂલ્યો અને સામાજિક સમરસતા જેવા વિવિધ વિષયો પર ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી.
રાત્રિ સભાને સંબોધતા રાજ્યપાલએ બાળકોને દેશનું ભવિષ્ય ગણાવી ‘દીકરો-દીકરી એક સમાન’ના સંકલ્પ સાથે બંનેને સમાન શિક્ષણ અને ઉછેરની તકો આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દીકરા અને દીકરી વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યા વિના બંનેને ઉચ્ચ શિક્ષણ અને આગળ વધવાની સમાન તક મળવી જોઈએ.
રાજ્યપાલએ વાલીઓને બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખવા અને તેમના વિચારો તથા સમસ્યાઓને સમજવા અનુરોધ કર્યો હતો. તેમણે બાળકોને વ્યસનોથી દૂર રાખવા માટે માતા-પિતાએ તેમની સંગત અને વર્તન પર ધ્યાન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સાથે જ ગ્રામજનોને સામાજિક સમરસતા જાળવવા અને જાતિગત ભેદભાવથી ઉપર ઉઠીને માનવતાને પ્રાધાન્ય આપવા અપીલ કરી હતી.
રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હરિયાણાના કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુલમાં રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવાના પોતાના અનુભવો ગ્રામજનો સાથે શેર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીમાં ગૌ-આધારિત પદ્ધતિ અને પશુપાલનનું મહત્વ છે.
તેમણે કહ્યું કે બારડોલીની ફળદ્રુપ જમીનમાં પ્રાકૃતિક ખેતીની વિશાળ સંભાવનાઓ રહેલી છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા પર અસર થઈ રહી છે ત્યારે ખેડૂતોમાં જાગૃતિ લાવવી સમયની જરૂરિયાત છે.
રાજ્યપાલએ ખેડૂતોને શરૂઆતમાં ઘરવપરાશ માટેના શાકભાજી સહિતની ખેતીમાં પ્રાકૃતિક પદ્ધતિ અપનાવી ધીમે-ધીમે સમગ્ર ખેતીને પ્રાકૃતિક કૃષિ તરફ લઈ જવા સૂચન કર્યું હતું. તેમણે ગૌ-આધારિત ખેતી અને ગૌ સંવર્ધનના પોતાના અનુભવો પણ ગ્રામજનો સાથે વહેંચ્યા હતા.
વધુમાં વધુ વૃક્ષો વાવવા અપીલ
આ પ્રસંગે રાજ્યપાલએ આવનારી પેઢી માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અને સ્વચ્છતાને જીવનનો સંસ્કાર બનાવવા ગ્રામજનોને અપીલ કરી હતી. તેમણે જળસંચય અને પર્યાવરણ જતનને પણ સામૂહિક જવાબદારી ગણાવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ગ્રામજનો સક્રિય યોગદાન આપે તેવી અપેક્ષા પણ રાજ્યપાલએ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા, નાયબ વન સંરક્ષક ધીરજ કુમાર, પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ-ગાંધીનગરના સંયુક્ત ખેતી નિયામક એન.જી. ગામીત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી. પ્રજાપતિ, પ્રાંત અધિકારી આર.જે. પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામીત, અગ્રણી ભાવેશ પટેલ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે