


- 2.5 લાખના રોકડા રૂપિયા અને દાગીના સહિત લાખોની ચોરી કરી તસ્કરો થયા ફરાર
ભરૂચ, 24 ઓગસ્ટ (હિ.સ.) : વાગરા નગરના ઓરા ચોકડી પાસે આવેલ સોસાયટીના બંધ મકાનમાંથી તસ્કરોએ હાથફેરો કરી 2.5 લાખની રોકડ અને દાગીના સહિત લાખોની માલમતા ઉઠાવી ફરાર થઇ ગયાની ઘટના સામે આવી છે.વાગરા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
વાગરાના ઓરા ચોકડી નજીક આવેલી સોસાયટીમાં મકાન માલિક શેખ અજરુદ્દીન નશરુદ્દીન અને તેમનો પરિવાર પોતાના કામ અર્થે ઘરને તાળું મારી બહારગામ ગયો હતો. આ તકનો લાભ લઈ નિશાચરોએ બંધ મકાનને નિશાન બનાવ્યુ હતુ. તસ્કરોએ સૌપ્રથમ મકાનની બહારની ગ્રીલનો નકુચો તોડ્યો હતો અને ત્યારબાદ મુખ્ય દરવાજાનું તાળુ-નકુચો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં ઘૂસ્યા બાદ ચોરોએ આખા ઘરમાં સામાન ફેંદી નાંખ્યો હતો અને તિજોરી તોડી તેમાં રાખેલી તમામ કિંમતી ચીજવસ્તુઓ ચોરી લઈ ગયા હતા.
મકાન માલિકના જણાવ્યા અનુસાર તસ્કરો ઘરમાંથી 2.50 લાખની રોકડ રકમ, સાડા ત્રણ તોલાનો સોનાનો હાર તેમજ ચાર સોનાની વીંટીઓ સહિત લાખો રૂપિયાના દાગીના ચોરીને ફરાર થઈ ગયા હતા. સવારે ઘટનાની જાણ થતા જ પરિવારજનો તુરંત બહારગામથી ઘરે પાછા દોડી આવ્યા હતા. આ બનાવ અંગે વાગરા પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ચોરીનો ગુનો નોંધી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની સાથે તસ્કરોનું પગેરૂ મેળવવા કવાયતને તેજ બનાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ