
નવસારી, 24 ઓગસ્ટ (હિ.સ.) : નવસારી તાલુકાના પિનસાડ ગામે દામોદરેશ્વર કોમ્યુનિટી હોલ ખાતે આજે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે ADIP (Assistance to Disabled Persons) તથા વયોશ્રી યોજના અંતર્ગત લાભાર્થીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનો તથા વરિષ્ઠ નાગરિકોએ ઉપસ્થિત રહી યોજનાનો લાભ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવી જરૂરી એસેસમેન્ટ કરાવ્યું હતું.
કેમ્પ દરમિયાન બપોર સુધીમાં વયોશ્રી યોજનાના 254 તથા ADIP યોજનાના 12 મળી કુલ 266 લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવી એસેસમેન્ટ કરાવ્યું હતું. યોજનાકીય લાભ મેળવવા માટે જરૂરી પ્રક્રિયા લાભાર્થીઓને સરળતાથી પૂર્ણ કરી શકાય તે માટે કેમ્પ સ્થળે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
લાભાર્થીઓને કોઈ અગવડ ન પડે અને જરૂરી સેવાઓ એક જ સ્થળે મળી રહે તે માટે કેમ્પ સ્થળે હેલ્થ ડેસ્ક, મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ, NCC કેડેટ્સની ટીમ, આવકના દાખલા માટે તલાટી ટીમ, ઝેરોક્સ મશીન, અલ્પાહાર તથા ફળાહાર સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પ્રસંગે જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નયનભાઈ પટેલ, તાલુકા તથા જિલ્લા પંચાયતના સભ્યઓ અને પિનસાડ ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ કેમ્પની કામગીરીનું નિરીક્ષણ કરી લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો તેમજ ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી.
પિનસાડ ગામે યોજાયેલા આ કેમ્પના પરિણામે પિનસાડ તેમજ આસપાસના વિસ્તારોમાં રહેતા દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને જરૂરી એસેસમેન્ટ તથા યોજનાકીય પ્રક્રિયાની સુવિધા તેમના નજીકના વિસ્તારમાં જ ઉપલબ્ધ થઈ હતી. સમગ્ર કેમ્પ દરમિયાન સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ તથા સ્વયંસેવકો દ્વારા લાભાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે