
મહેસાણા, 24 ઓગસ્ટ (હિ.સ.) : લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે કાર્યવાહી કરી હતી. લાંઘણજ ગામમાં ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂ.10,300ની રોકડ રકમ જપ્ત કરી હતી.
મળતી માહિતી મુજબ, પોલીસ અધિકારીઓની સૂચનાના આધારે લાંઘણજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ગેલોતે સ્ટાફને જુગારની અસામાજિક પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. દરમિયાન પોલીસ સ્ટાફ લાંઘણજ પોલીસ સ્ટેશનના ગોઝારીયા આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.
તે સમયે પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, લાંઘણજ ગામમાં રબારીવાસ પાસે ઠાકોર મહેશજી મગનજીના ઘરની આગળ આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો ભેગા થઈ પૈસાથી તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન તીનપત્તીનો જુગાર રમતા ઠાકોર મહેશજી મગનજી, પટેલ ચિરાગકુમાર રમણભાઈ અને દંતાણી દિપકકુમાર બચુભાઈને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી જુગારના સાધન-સામગ્રી સાથે રૂ.10,300ની રોકડ રકમ કબજે કરી હતી.
આ મામલે લાંઘણજ પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જુગારનો ગણનાપાત્ર કેસ નોંધ્યો હતો. કામગીરીમાં અ.હેડ.કોન્સ. રાજુભાઈ પ્રભાતભાઈ સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR