
પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.) : પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શિવભક્તિનો માહોલ છવાયો હતો. શહેર અને ગ્રામ્ય વિસ્તારોના શિવમંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. ભક્તોએ ભગવાન શિવની પૂજા-અર્ચના અને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી.
શિવલિંગ પર બિલીપત્ર, દૂધ, જળ સહિત વિવિધ દ્રવ્યો અર્પણ કરીને અભિષેક કરવામાં આવ્યો હતો. પાટણના સિદ્ધનાથ, બગેશ્વર, નીલકંઠ, ગુપ્તેશ્વર, ત્રિપુરારેશ્વર, મલેશ્વર, સિદ્ધેશ્વર, જબરેશ્વર, લોટેશ્વર, ગૌકર્ણેશ્વર સહિતના શિવમંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તોએ શિવજીના દર્શન કરી પૂજા-અર્ચનાનો લાભ લીધો હતો.
આ ઉપરાંત માલસુદ ગામના મુગેશ્વર મહાદેવ મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન શિવાલયોમાં 'હર હર ભોળાનાથ' અને 'ઓમ નમઃ શિવાય'ના નાદ ગુંજી રહ્યા હતા. શ્રાવણના પવિત્ર પર્વે સમગ્ર પાટણ જિલ્લામાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ