
ગીર સોમનાથ, 24 ઓગસ્ટ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. 25 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવ અંતર્ગત તા. 25 ઓગસ્ટના મંગળવારના રોજ સવારે 10:30 કલાકે ડૉ.બાબા સાહેબ આંબેડકર ગાર્ડનથી પ્રસ્થાન કરી શ્રી સંસ્કૃત યુનિવર્સિટી સુધી ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાશે.
સંસ્કૃત આપણી ગૌરવશાળી ભાષા અને સમૃદ્ધ સંસ્કૃતિને જન-જન સુધી પહોંચાડવાના પવિત્ર હેતુથી યોજાયેલી આ યાત્રામાં સંસ્કૃત ભાષાની વિવિધ ઝાંખીઓ, ભારતીય સંસ્કૃતિ અને પરંપરા, વેદ-શાસ્ત્રો, કર્મકાંડ વિજ્ઞાન, જ્યોતિષ વિજ્ઞાન, આયુર્વેદ તથા સંસ્કૃતના જ્ઞાન-વિજ્ઞાન ક્ષેત્રેરહેલા અમૂલ્ય યોગદાનને દર્શાવવામાં આવશે. આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, સંસ્કૃત પ્રેમીઓને ઉત્સાહપૂર્વક જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ