
સોમનાથ,24 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ જિલ્લો કુદરતી સંપદા ધરાવતો જિલ્લો છે. દરિયાકિનારો અને જંગલ જેવી ભૌગોલિક પ્રકૃતિ ધરાવતો હોવાના કારણે જિલ્લામાં પર્યાવરણના સંવર્ધન સાથેનો વિકાસ સુનિશ્ચિત કરવા જિલ્લા સેવા સદન ખાતે સ્ટેટ એન્વાયર્ન્મેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી (SEIAA)ના અધ્યક્ષ એચ. કે. દાસની અધ્યક્ષતામાં મહત્ત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં પર્યાવરણીય મંજૂરીની દરખાસ્ત પ્રક્રિયાને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા, મંજૂરી મળ્યા પછી તમામ શરતોનું યોગ્ય અને નિયમોનુસાર પાલન અંગે તેમજ વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન, પરિવેશ પોર્ટલ, પર્યાવરણ અને માઈનિંગને લગતા સર્ક્યૂલર અને નોટિફિકેશન જાહેર કરવા સહિતના પગલાંઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
અધ્યક્ષ એચ.કે.દાસે જણાવ્યું હતું કે, પર્યાવરણનું સંવર્ધન એ તમામની સહિયારી જવાબદારી છે. ઉદ્યોગો, પર્યટન વિકાસમાં ફાળો આપતા એકમો સહિતના સ્થળોએ માત્ર પર્યાવરણીય મંજૂરી મેળવી લેવી એ પૂરતું નથી. મંજૂરી મળ્યા બાદ નિયમોનુસાર તમામ શરતોનું સતત પાલન થાય તેનું મોનિટરિંગ પણ અત્યંત જરૂરી છે.
જ્યારે સ્ટેટ લેવલ એક્સપર્ટ અપરાઈઝલ કમિટી (SEAC)ના અધ્યક્ષ ડી.એમ.ઠાકરે જિલ્લામાં પર્યાવરણીય મંજૂરીઓ માટે દરખાસ્તોનું મૂલ્યાંકન, ખાસ કરીને એ કેટેગરી, બી કેટેગરી સહિત વિવિધ શ્રેણીમાં મોટા પાયે મકાન, બાંધકામ અને વિસ્તાર સહિતના માપદંડો પર ધ્યાન કેન્દ્રિત કરીને સંબંધિત વિભાગો દ્વારા મંજૂરી ભંગ બદલ નિયંત્રણ અને કડક પગલાં લેવા સહિતની બાબતો સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
અધ્યક્ષઓએ ડિસ્ટ્રિક્ટ સર્વે રિપોર્ટ, પર્યાવરણ મંજૂરી સમયમર્યાદા, પર્યાવરણને લગતા કાયદાઓ, પરમિશન ભંગ અંગે પગલા, હાઈરાઈઝ બિલ્ડિંગ એસ્કેપ પ્લાન, વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન સુનિશ્ચિત કરવા, સહિતના વિવિધ પોર્ટલ પર નોંધણી, અગત્યના ચેકલિસ્ટ તૈયાર રાખવા સહિતના પગલાઓ વિશે ઉપસ્થિત સર્વે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.
સંલગ્ન વિભાગોએ આ બેઠકમાં પબ્લિક હિયરિંગ અને કન્સલ્ટેશન, માઈનિંગ લીઝ અને માઈનિંગને લગતી પ્રવૃત્તિઓ, ઉદ્યોગોની પર્યાવરણ પ્રત્યે જવાબદારી, નગરપાલિકા કક્ષાએ બિલ્ડીંગ બાંધકામ, ઉદ્યોગની પર્યાવરણીય મંજૂરી, જિલ્લાકક્ષાએ માઈનિંગ, ફાયર સેફ્ટી, કટોકટીની પળોમાં એક્ઝીટ પ્લાન, શેડ્યૂલ-1 પ્રજાતિઓના રક્ષણ બાબતે, વોટર ઈન્ટેક પોઈન્ટ્સ, ચેકડેમ સહિતના ભૌતિક માળખા, પર્યાવરણીય મંજૂરી બાદ સર્ટિફાઈડ કમ્પ્લાઈન્સ રિપોર્ટ વગેરેની કામગીરી તેમજ જિલ્લામાં કાર્યરત પ્રોજેક્ટ્સ બાબતે માહિતી રજૂ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, નગરપાલિકા ચીફ ઓફિસર પારસ મકવાણા સહિત જી.પી.સી.બી, માઈન્સ સેફ્ટી, મેરિટાઈમ બોર્ડ, ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ