જોડિયા તાલુકાના વાવડી ગામમાં વીજલાઈન મુદ્દે ખેડૂતોના સત્યાગ્રહમાં બે ઉપવાસીની તબિયત લથડી
જામનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે ખેતરોમાં વીજ થાંભલા નાખવાની કામગીરીના મુદ્દે ખેડૂતો દ્વારા શરૂ કરાયેલું ગાંધીચીંધ્યા માર્ગેનું શાંતિપૂર્ણ આંદોલન આજે ચોથા દિવસે પહોંચ્યું છે. રામદેવપીરજી મહારાજ મંદિર પરિસરમાં કિ
ઉપવાસી ખેડૂત ની તબિયત લથડી


જામનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે ખેતરોમાં વીજ થાંભલા નાખવાની કામગીરીના મુદ્દે ખેડૂતો દ્વારા શરૂ કરાયેલું ગાંધીચીંધ્યા માર્ગેનું શાંતિપૂર્ણ આંદોલન આજે ચોથા દિવસે પહોંચ્યું છે. રામદેવપીરજી મહારાજ મંદિર પરિસરમાં કિસાન સત્યાગ્રહ છાવણી ઊભી કરી સરપંચ સહિત ગામના સાત આગેવાનો આમરણાંત ઉપવાસ પર બેઠા છે. દરમિયાન પરમદીને એક ઉપવાસીની તબિયત લથડયા બાદ ગઈકાલે વધુ એક ઉપવાસીની તબિયત લથડતાં સ્થળ પર ચિંતાનો માહોલ છવાયો હતો.

ગામના હિત અને ખેડૂતોના અધિકાર માટે વાવડીના સરપંચ ભાવેશભાઈ સહિત સાત આગેવાનોએ અન્નત્યાગ કરી આમરણાંત ઉપવાસ શરૂ કર્યો છે. ઉપવાસ દરમિયાન તમામ આગેવાનો માત્ર પાણી પર રહ્યા હોવાનું જણાવાયું છે. ખેડૂતોની માંગણીઓ અંગે તંત્ર અને વીજ કંપની દ્વારા યોગ્ય નિર્ણય ન લેવાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ આગેવાનોએ વ્યક્ત કર્યો છે.

આ સત્યાગ્રહને સમર્થન આપવા આસપાસના લીંબુડા, અણદા, ભાદરા, કેશિયા અને રામપર સહિતના ગામોના ખેડૂતો પણ મોટી સંખ્યામાં વાવડી ખાતે પહોંચ્યા હતા. સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચેલા ખેડૂતોનું ગ્રામજનો દ્વારા ઢોલ-નગારાં અને પરંપરાગત સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, ખેડૂતો વિકાસના વિરોધી નથી, પરંતુ ખેતરોમાં વીજલાઈન અને થાંભલા નાખવાની કામગીરી અંગે ખેડૂતોની લાગણી અને રજૂઆતોને ધ્યાને લઈ તંત્ર તથા વીજ કંપનીએ ખેડૂતલક્ષી સંવાદ સાધવો જોઈએ અને કાયમી ઉકેલ લાવવો જોઈએ.

સત્યાગ્રહ દરમિયાન નીરાભાઈ મારાજ નામના ખેડૂતની તબિયત લથડતાં સ્થળ પર ચિંતાનો માહોલ સર્જાયો હતો. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવારની જરૂર જણાતા તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન વધુ એક ઉપવાસી ખેડૂત મહિપતભાઈ ડાંગરની તબિયત લથડતાં સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ હતી.

--------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande