જામનગરના જામજોધપુરના મેઘપરના સરપંચે પવનચક્કીની એનઓસી આપવાનો ઇનકાર કરતા હુમલો
જામનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) : જામજોધપુર તાલુકાના મેઘપર ગામની સીમમાં ચાલી રહેલા પવનચક્કીના કામ માટે ગ્રામ પંચાયતની એન.ઓ.સી. આપવાનો ઇનકાર કરતાં મેઘપર ગ્રામ પંચાયતના સરપંચ પર ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. હુમલામાં સરપંચને ડાબા હાથમ
હુમલો


જામનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) : જામજોધપુર તાલુકાના મેઘપર ગામની સીમમાં ચાલી રહેલા પવનચક્કીના કામ માટે ગ્રામ પંચાયતની એન.ઓ.સી. આપવાનો ઇનકાર કરતાં મેઘપર ગ્રામ પંચાયતના સરપંચ પર ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. હુમલામાં સરપંચને ડાબા હાથમાં ફ્રેક્ચર સહિત શરીરના વિવિધ ભાગે મુંઢ ઇજાઓ થતાં તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ફરિયાદી મેઘપર ગામના સરપંચ ભીખુભાઈ હરજીભાઈ શીલુંએ પોલીસને જણાવ્યું છે કે તા. 23 ઓગસ્ટના રોજ સવારે આશરે આઠ વાગ્યે તેઓ ગામમાં શંકર ભગવાનના મંદિર પાસે બેઠા હતા. તે સમયે મોટી ગોપના રાકેશ ઉર્ફે ટીટો જોશી, મેરામણ નંદાણીયા તથા ધારાગઢના ઉમરભાઈ તેમની પાસે આવ્યા હતા અને મેઘપર ગ્રામ પંચાયતની હદમાં ચાલી રહેલા પવનચક્કીના કામ માટે એન.ઓ.સી. આપવા જણાવ્યું હતું. સરપંચે એન.ઓ.સી. આપવાનો ઇનકાર કરતાં ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી ત્યાંથી જતા રહ્યા હતા.

આશરે દસ મિનિટ બાદ ત્રણેય ફરીથી મંદિર પાસે આવ્યા હતા. રાકેશ ઉર્ફે ટીટોના હાથમાં લોખંડનો પાઇપ, મેરામણ નંદાણીયાના હાથમાં લાકડાનો ધોકો અને ઉમરભાઈના હાથમાં લોખંડના પાઇપવાળું ધારિયું હતું. એન.ઓ.સી. આપવી છે કે નહીં તેમ કહી ત્રણેયે સરપંચ પર હથિયારો વડે હુમલો કર્યો હતો. ઉમરભાઈએ ધારિયું ઉગામીને મારવાનો પ્રયાસ કરતાં સરપંચે બચાવ માટે ડાબો હાથ આડો ધરતા કોણીથી નીચેના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને ફ્રેક્ચર થયું હતું.

આ ઉપરાંત લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે બંને પગ, કમર, છાતી તથા પીઠના ભાગે માર મારવામાં આવ્યો હતો. સરપંચે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવતાં ત્રણેય આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. જતા સમયે ‘આજે તો બચી ગયો, પરંતુ એન.ઓ.સી. નહીં આપે તો તને પતાવી દેશું’ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

ઇજાગ્રસ્ત સરપંચને 108 મારફતે તેમના ભાણેજ ધીરજ જોશી તથા ગામના ઉપસરપંચ ભાવેશભાઈ તરેયા જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા. તબીબી તપાસમાં ડાબા હાથમાં ફ્રેક્ચર ઉપરાંત બંને પગ, કમર, પીઠ અને છાતીના ભાગે મુંઢ ઇજાઓ તથા છોલછાલ થઈ હોવાનું જણાવાયું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande