
જામનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લામાં વરસાદની ગંભીર અછત સર્જાતા ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠી છે. જામનગર જિલ્લામાં અંદાજે 71 ટકા વરસાદની ઘટ નોંધાઈ હોવાનું જણાવી જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથીરિયાના નેતૃત્વમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લામાં વરસાદની અછતના કારણે ખેડૂતો સામે ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિ અંગે રજૂઆત કરી હતી.
આવેદનપત્રમાં જણાવાયું હતું કે વરસાદની અછતને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી, ઘાસચારો અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે પણ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ શકે છે. ખેડૂતોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવી જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને જરૂરી રાહત સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથીરિયા સહિત કોંગ્રેસના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર સમક્ષ ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવા માંગ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt