નાગરિક સુરક્ષા માટે ગુજરાત પોલીસના કાફલામાં નવા 500 અત્યાધુનિક 112 ‘જનરક્ષક’ વાહનો જોડાશે
- રાજ્યમાં હવે 24 કલાક કુલ 1000 જનરક્ષક વાહનો ઇમરજન્સી સેવા માટે કાર્યરત રહેશે - નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવા સચિવાલય ખાતેથી વધુ 500 જનરક્ષક વાહનનું ફ્લેગ ઓફ કરાશે- ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી એપ્સમાં પણ 112 પેનિક બટન ઇન્ટિગ્રેટ
ફાઈલ ફોટો


- રાજ્યમાં હવે 24 કલાક કુલ 1000 જનરક્ષક વાહનો ઇમરજન્સી સેવા માટે કાર્યરત રહેશે

- નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવા સચિવાલય ખાતેથી વધુ 500 જનરક્ષક વાહનનું ફ્લેગ ઓફ કરાશે- ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી એપ્સમાં પણ 112 પેનિક બટન ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે.

ગાંધીનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) રાજ્યના નાગરિકોની ઝડપી સુરક્ષા અને સેવા માટે 112 'જનરક્ષક' પ્રોજેક્ટનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત 25 ઓગસ્ટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાત પોલીસને 500 નવા અત્યાધુનિક ‘જનરક્ષક’ વાહનો સમર્પિત કરવામાં આવશે.

રાજ્યમાં વધતી વસ્તી, શહેરી વિસ્તરણ અને ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલામાં વધુ ૫૦૦ નવા જનરક્ષક વાહનો કાર્યરત કરવામાં આવશે. આ નવા વાહનો સાથે હવે સમગ્ર રાજ્યમાં 24 કલાક કુલ 1000 જનરક્ષક વાહનો ઇમરજન્સી રિસ્પોન્સ માટે ઉપલબ્ધ થશે.

જનરક્ષકના અમલીકરણના માત્ર 11 માસના ટૂંકા ગાળામાં આ સેવામાં 11.04 લાખથી વધુ ઇમરજન્સીમાં સંકલિત સેવાઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત 6.74 લાખથી વધુ પોલીસ ઇમરજન્સી બનાવોમાં તાત્કાલિક સેવા અપાઈ છે.

આધુનિક 150 બેઠકો ધરાવતા કોલ સેન્ટર, CAD-કમ્પ્યુટર એડેડ ડિસ્પેચ સિસ્ટમ અને કોલર લોકેશન ટેક્નોલોજીના ઉપયોગથી રાજ્યનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 27 મિનિટથી ઘટીને 10.49 મિનિટ થઈ ચૂક્યો છે. નવા વાહનો અને ટેક્નોલોજીથી આ સમયમાં હજુ વધુ ઝડપી બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

હવે સરહદની સીમાઓ બાધારૂપ ન બને તે માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પણ અમલી બનાવી ઘટના સ્થળથી સૌથી નજીક ઉપલબ્ધ PCRને રવાના કરવામાં આવશે.

ડાયલ 112 અંતર્ગત પોલીસ (100 ), એમ્બ્યુલન્સ (108 ), ફાયર (101 ), મહિલા હેલ્પલાઇન (181 ), ચાઇલ્ડ હેલ્પલાઇન (1098 ) તથા ડિઝાસ્ટર હેલ્પલાઇન (1070 ) ઉપરાંત ટ્રાફિક હેલ્પલાઇન જેવી વિવિધ ઇમરજન્સી સેવાઓ એક જ પ્લેટફોર્મ પર સંકલિત રીતે ઉપલબ્ધ કરવામાં આવી છે. તાજેતરમાં ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી એપ્સમાં પણ ૧૧૨ પેનિક બટન ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande