
મહેસાણા, 24 ઓગસ્ટ (હિ.સ.) પ્રકૃતિના સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિના સંદેશ સાથે મહેસાણા મહાનગરપાલિકા કક્ષાનો 77મો વન મહોત્સવ ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમમાં મહેસાણા ધારાસભ્યશ્રી, મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, શાસક પક્ષના નેતાશ્રી, કોર્પોરેટરશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વન મહોત્સવ અંતર્ગત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પર્યાવરણનું જતન અને વૃક્ષોના સંવર્ધનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને નિઃશુલ્ક રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેથી શહેરમાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય અને હરિયાળું વાતાવરણ ઊભું કરી શકાય.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ પર્યાવરણ સંરક્ષણ માટે સામૂહિક સંકલ્પ લીધો હતો. શહેરમાં વૃક્ષોની સંખ્યા વધારવા, વાવેલા વૃક્ષોની યોગ્ય માવજત કરવા અને આગામી પેઢી માટે સ્વચ્છ તથા સ્વસ્થ પર્યાવરણનું નિર્માણ કરવા સૌને અપીલ કરવામાં આવી હતી.
મહેસાણા શહેરને વધુ હરિયાળું બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વન મહોત્સવના માધ્યમથી નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસે અને વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ સાથે જોડાય તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR