નુગરના તળાવમાં ડૂબી જતાં 24 વર્ષીય યુવકનું મોત, 3 મહિનામાં બે ભાઈઓએ જીવ ગુમાવ્યા
મહેસાણા, 24 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા નજીકના નુગર ગામે તળાવમાં ડૂબી જતાં 24 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. નુગર ગામનો સચિન રાવળ આજે સવારે તળાવ કિનારે શૌચાર્થે ગયો હતો. દરમિયાન અકસ્માતે પગ લપસી જતાં તે તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જા
નુગરના તળાવમાં ડૂબી જતાં 24 વર્ષીય યુવકનું મોત, 3 મહિનામાં બે ભાઈઓએ જીવ ગુમાવ્યા


મહેસાણા, 24 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા નજીકના નુગર ગામે તળાવમાં ડૂબી જતાં 24 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. નુગર ગામનો સચિન રાવળ આજે સવારે તળાવ કિનારે શૌચાર્થે ગયો હતો. દરમિયાન અકસ્માતે પગ લપસી જતાં તે તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો.

મૃતકના કાકા દશરથભાઈના જણાવ્યા મુજબ, સચિન સવારે મોટપ ખાતે પોતાની નોકરી પર ગયો હતો. પગાર થવાનો હોવાથી તે ઘરે બેંકની પાસબુક લેવા પરત આવ્યો હતો. ત્યારબાદ તે નજીકના તળાવ કિનારે શૌચાર્થે ગયો હતો. જ્યાં પગ લપસી જતાં અથવા નમી પડતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ગામનું તળાવ ખૂબ ઊંડું હોવાથી સચિન બચી શક્યો નહોતો.

આ ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સૌથી કરુણ બાબત એ છે કે સચિનના સગા ભાઈનું પણ માત્ર ત્રણ મહિના અગાઉ આ જ તળાવમાં નાહવા જતાં ડૂબી જવાથી મોત થયું હતું. આમ, એક જ તળાવમાં ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં બે સગા ભાઈઓએ જીવ ગુમાવતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

પરિવારમાં અગાઉ પિતાનું પણ અવસાન થઈ ચૂક્યું છે. હવે વિધવા માતા અને એક નાનો ભાઈ પરિવારના સહારે રહ્યા છે. ઘટનાને પગલે મહેસાણા ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande