
મહેસાણા, 24 ઓગસ્ટ (હિ.સ.) : સાપુતારા ખાતે યોજાયેલી ‘સાપુતારા એપિક મેરેથોન રન’ માં મહેસાણાની ડોકરા રનિંગ ક્લબના 8 દોડવીરોએ 15 કિમીની રેસમાં ભાગ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું. દેશની ટફ રેસમાંની એક ગણાતી આ મેરેથોનમાં મહેસાણાના દોડવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
15 કિમીની રેસમાં પુરુષ કેટેગરીમાં ડોકરા રનિંગ ક્લબના અશોકભાઈ વ્યાસે પ્રથમ ક્રમ મેળવી મહેસાણાનું નામ રોશન કર્યું હતું. જ્યારે મહિલા કેટેગરીમાં પૂર્વીબેન ચૌધરીએ ત્રીજો ક્રમ હાંસલ કરીને નોંધપાત્ર સિદ્ધિ મેળવી હતી. મુશ્કેલ ટ્રેક અને પડકારજનક દોડ વચ્ચે બંને દોડવીરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોતાની દોડકૌશલ્યનો પરિચય આપ્યો હતો.
ડોકરા રનિંગ ક્લબ મહેસાણા દ્વારા અગાઉ પણ વિવિધ મેરેથોન અને દોડ સ્પર્ધાઓમાં દોડવીરોની સિદ્ધિઓ અંગે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. ક્લબના દોડવીરો સતત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને મહેસાણા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
સાપુતારા એપિક મેરેથોનમાં અશોક વ્યાસે પ્રથમ અને પૂર્વીબેન ચૌધરીએ ત્રીજો ક્રમ મેળવતા ડોકરા રનિંગ ક્લબના સભ્યો તથા રમતપ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. બંને વિજેતાઓ સહિત તમામ 8 દોડવીરોને ક્લબ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR