વડનગરના હાટકેશ્વર મંદિરમાં 108 ઋષિકુમારો વચ્ચે મૃત્યુંજય જાપ સ્પર્ધા યોજાઈ
મહેસાણા, 24 ઓગસ્ટ (હિ.સ.) : વડનગરના સુપ્રસિદ્ધ ઐતિહાસિક હાટકેશ્વર મંદિરના સાનિધ્યમાં ‘વડનગર શ્રાવણોત્સવ’ અંતર્ગત ભવ્ય મૃત્યુંજય જાપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ
વડનગરના હાટકેશ્વર મંદિરમાં 108 ઋષિકુમારો વચ્ચે મૃત્યુંજય જાપ સ્પર્ધા યોજાઈ


મહેસાણા, 24 ઓગસ્ટ (હિ.સ.) : વડનગરના સુપ્રસિદ્ધ ઐતિહાસિક હાટકેશ્વર મંદિરના સાનિધ્યમાં ‘વડનગર શ્રાવણોત્સવ’ અંતર્ગત ભવ્ય મૃત્યુંજય જાપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં ઝોન 3 અને ઝોન 4ના 108 જેટલા ઋષિકુમારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

શ્રાવણ માસના બીજા સોમવારે યોજાયેલી સ્પર્ધામાં ઋષિકુમારોએ શુદ્ધ મંત્રોચ્ચાર, મૃત્યુંજય જાપ અને વિવિધ સ્તોત્રોના ગાન દ્વારા મંદિર પરિસરને શિવમય બનાવી દીધું હતું. શ્રાવણોત્સવની આ વિશેષ શ્રેણીની શરૂઆત 17 ઓગસ્ટથી કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. સ્પર્ધાના આયોજનનો મુખ્ય ઉદ્દેશ નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરાના મૂલ્યોનું સિંચન કરવા તેમજ સંસ્કૃત ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓમાં અભિરુચિ વધારવાનો હતો. ઋષિકુમારોએ મંત્રોચ્ચાર અને સ્તોત્ર ગાન દ્વારા પોતાની વૈદિક પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.

કાર્યક્રમમાં કમિશનર શાળાઓની કચેરીના નાયબ નિયામક કિશન વસાવા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એન. પટેલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શરદ ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કૃત મહાવિદ્યાલયના મહાનુભાવો, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને ધર્મપ્રેમી નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ આયોજનથી વિદ્યાર્થીઓમાં વૈદિક જ્ઞાન અને ભારતીય પ્રાચીન પરંપરા પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande