
અમદાવાદ, 24 ઓગસ્ટ (હિ.સ.) : અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં નજીવી બાબતે વકીલ અને તેમના પરિવારજનો પર લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કર્યો હતો.
બહેરામપુરામાં રહેતા વકીલ અબ્દુલ અજીમખાન પઠાણ પોતાના ઘર તરફ કેમેરો ન લગાવવાનું કહેવા જેવી નજીવી બાબતે 8 શખસે વકીલ અને તેમના પરિવારજનો પર લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કર્યો હતો.
આ ઘટનામાં 4 લોકોને ઇજા પહોંચી છે, તથા નજીકની દુકાન પર પથ્થરમારો કરી કાચ તોડી નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. બનાવ અંગે દાણીલીમડા પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો.
બહેરામપુરામાં રહેતા અબ્દુલ અજીમખાન પઠાણ વકીલાત કરે છે. ગત 22 ઓગસ્ટે તેમના પડોશમાં ભાડે રહેતા સોહિલ શેખના ઘરે આવેલા કેટલાક શખ્સો વકીલનું ઘર દેખાય તે રીતે કેમેરો લગાવી રહ્યા હતા. વકીલે તે અંગે વિરોધ દર્શાવતાં તેઓ ત્યાંથી જતા રહ્યા હતા.
જોકે, આ જ વાતની અદાવત રાખીને ગત 23 ઓગસ્ટે રાત્રે વકીલ જ્યારે નાસ્તો લેવા બહાર નીકળ્યા ત્યારે આરોપીઓએ તેમની સાથે બળજબરી કરી અપશબ્દો બોલી મારપીટ શરૂ કરી હતી.
વકીલના પરિવાર અને દુકાન પર પથ્થરમારો
વકીલ બચવા માટે તેમના ભાઈ સમીરની દુકાનમાં સંતાઈ જતાં આરોપીઓએ દુકાન પર પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા હતા. બાદમાં વકીલ ઘર તરફ ભાગતા સોસાયટીના ગેટ પાસે અન્ય સાગરીતોએ ભેગા થઈ તેમને લાકડીઓથી ફટકાર્યા હતા. વકીલને બચાવવા માટે તેમનો પરિવાર વચ્ચે પડતાં આરોપીઓએ પરિવારજનો પર પણ ભારે પથ્થરમારો કર્યો હતો, જેમાં 4 સભ્યોને ઇજા થઈ હતી.
આ મામલે વકીલે 8 શખ્સો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ સામા પક્ષે પણ વકીલ અને તેમના પરિવારજનો સામે વળતી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ