
સુરત, 24 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રસ, ગૌરવ અને અભિરૂચિ વધારવા તેમજ ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસારને વેગ આપવા સુરત જિલ્લામાં સંસ્કૃત સપ્તાહની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે તા. 25, 27 અને 29 ઓગસ્ટ દરમિયાન તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ વિવિધ ત્રિદિવસીય શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
તા.25મી ઓગસ્ટના રોજ સમાજમાં સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ ફેલાવવાના આશયથી નિયત શાળાઓ દ્વારા ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાશે. ત્યારબાદ તા.27 ઓગસ્ટના રોજ ‘સંસ્કૃત સંભાષણ દિન’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં સંસ્કૃતમાં સંવાદ કરવાની ક્ષમતા ખીલે તે માટે સંભાષણ અને પ્રોત્સાહક પ્રવૃત્તિઓ યોજાશે અને 29 ઓગસ્ટના રોજ ‘સંસ્કૃત સાહિત્ય દિવસ’ની ઉજવણી સાથે વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી સંસ્કૃત સાહિત્યના સંવર્ધનનો પ્રયાસ કરવામાં આવશે.
સુરત ગ્રામ્ય વિસ્તારની શાળાઓ માટે તાલુકા કક્ષાએ અને શહેર વિસ્તારની શાળાઓ માટે જિલ્લા કક્ષાએ નિયત થયેલી શાળાઓમાં કાર્યક્રમો યોજાશે. સંસ્કૃત સપ્તાહના આ કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં પોતાની વિરાસત પ્રત્યે ગૌરવ કેળવાશે એમ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની યાદીમાં જણાવાયું છે.
સુરત જિલ્લામાં સંસ્કૃત સપ્તાહની ત્રિદિવસીય ઉજવણી અંતર્ગત વિવિધ તાલુકા અને શહેર કક્ષાના કાર્યક્રમો યોજાશે જેમાં તા.૨૫મી ઓગસ્ટના રોજ સુરત સીટી માટે આશાદીપ સ્કૂલ, વરીયાવ, ચોર્યાસી તાલુકાની ડી. એન્ડ કે.એમ. સાર્વજનિક હાઇસ્કૂલ, સાબરગામ, ઓલપાડની વિદ્યાદીપ સ્કૂલ, અણીતા, કામરેજની વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ, કામરેજ, પલસાણા માટે શિવસાગર સ્કૂલ, દસ્તાન, અને બારડોલી તાલુકા માટે સરસ્વતી શિશુ મંદિર ખાતે કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત, મહુવા તાલુકામાં જી.એચ. ભક્ત હાઇસ્કૂલ, મહુવા, અંબિકાની ધનગૌરી વિદ્યાલય, વલવાડા, માંડવીની ધી માંડવી હાઇસ્કૂલ, માંડવી, ઉમરપાડાની વનરાજ હાઇસ્કૂલ, ઉમરપાડા, અરેઠ માટે એચ.એમ.વાય. કોટવાલ હાઇસ્કૂલ, બોધાવ, તેમજ માંગરોળ તાલુકા માટે એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઇસ્કૂલ, વાંકલ ખાતે સંસ્કૃત સપ્તાહના વિવિધ કાર્યક્રમો યોજાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે