
પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુરમાં સમસ્યા નિવારણ મંચ દ્વારા સ્વાતંત્ર્ય સેનાની અને શહીદ વીર શિવરામ હરિ રાજગુરુની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ રણજીતસિંહ સોલંકી સહિત મંચના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ સોલંકીએ, રાજગુરુના સ્મૃતિચિત્રને માલ્યાર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે રણજીતસિંહ સોલંકીએ દેશની આઝાદી માટે શહીદ રાજગુરુએ આપેલા સર્વોચ્ચ બલિદાનને યાદ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજગુરુ, ભગતસિંહ અને સુખદેવ જેવા ક્રાંતિકારીઓએ યુવા વયે દેશની સ્વતંત્રતા માટે પોતાનું જીવન અર્પણ કર્યું હતું. તેમના બલિદાનને દેશ ક્યારેય ભૂલી શકે નહીં.
કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓએ શહીદોના યોગદાનને અવિસ્મરણીય ગણાવી તેમના વિચારો અને દેશસેવાના આદર્શોને નવી પેઢી સુધી પહોંચાડવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. સમસ્યા નિવારણ મંચ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં રાષ્ટ્રભાવના, દેશભક્તિ અને સામાજિક જવાબદારીની ભાવના વધુ મજબૂત કરવાનો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ