


પોરબંદર, 25 ઓગસ્ટ (હિ.સ.) : જિલ્લા
કાનૂની સેવા સત્તા મંડળ, પોરબંદર તથા મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, પોરબંદરના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર
કેમિકલ યુનિટ ઓફ નિરમા ફેક્ટરી ખાતે સિલિકોસીસ રોગ અંગે જાગૃતિ ફેલાવવા તેમજ સરકાર
દ્વારા સિલિકોસીસથી અસરગ્રસ્ત શ્રમિકો અને તેમના પરિવારો માટે અમલમાં મૂકવામાં
આવેલી વિવિધ યોજનાઓ તથા મળવાપાત્ર લાભો અંગે શ્રમિકોને માહિતગાર કરવા માટે જાગૃતિ
શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિબિરમાં
પોરબંદર જિલ્લા કોર્ટ તરફથી પી.એલ.વી. નિમીષાબેન જોશી, પી.એલ.વી. કુ. મીરાબેન ઉનડકટ તથા જે.એલ.
ઝાલા (આસિસ્ટન્ટ) ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, પોરબંદર તરફથી આસિસ્ટન્ટ કમિશનર ઓફ
લેબર સાગર ભડાણીયા, ચિંતન ભટ્ટ તથા દેવાભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
શિબિરમાં
ઉપસ્થિત તમામ શ્રમિકોને સિલિકોસીસ રોગના કારણો, તેના જોખમો,
વ્યવસાયલક્ષી રોગ તરીકે તેની ગંભીરતા
તથા કામના સ્થળે જરૂરી સલામતી અને આરોગ્યલક્ષી સાવચેતી અંગે જરૂરી માર્ગદર્શન
આપવામાં આવ્યું હતું. ખાસ કરીને ધૂળ તથા સિલિકા કણોના લાંબા સમય સુધી સંપર્કમાં
રહેતા શ્રમિકોએ કાર્યસ્થળે સલામતીના નિયમોનું પાલન કરવું, જરૂરી વ્યક્તિગત સુરક્ષા સાધનોનો ઉપયોગ
કરવો તેમજ આરોગ્યની નિયમિત તપાસ કરાવવી તે અંગે સમજ આપવામાં આવી હતી.
શિબિરમાં
સરકારની સિલિકોસીસ સંબંધિત યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. યોજના હેઠળ
પાત્રતા ધરાવતા શ્રમયોગીનું વ્યવસાયલક્ષી ગંભીર રોગ સિલિકોસીસથી અવસાન થાય તેવા
કિસ્સામાં તેમના વારસદારોને રૂ. 4.00 લાખની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ
બાબતે ગુજરાત સરકાર દ્વારા વહીવટી મંજૂરી પણ આપવામાં આવેલી હોવાનું શ્રમિકોને
માહિતગાર કરવામાં આવ્યું હતું.
યોજનાના
અમલીકરણ અંગે પણ શ્રમિકોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોજનાના
અમલીકરણની કામગીરી ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કરવામાં આવે છે.
સિલિકોસીસથી મૃત્યુના કિસ્સામાં સર્ટિફાઈંગ સર્જન તથા ઔદ્યોગિક સલામતી અને
સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જરૂરી પ્રમાણપત્ર આપવામાં આવે છે અથવા પ્રમાણપત્રની ખરાઈ
કરવામાં આવે છે. તેમજ શ્રમ આયુક્ત, ગાંધીનગર દ્વારા યોજનાના વ્યવસ્થિત અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન
અને દેખરેખ રાખવામાં આવે છે.
સિલિકોસીસથી
અસરગ્રસ્ત શ્રમિકો તથા તેમના પરિવારજનોને યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી અરજી
પ્રક્રિયા અંગે પણ સમજ આપવામાં આવી હતી. પાત્ર અરજદારો દ્વારા જરૂરી દસ્તાવેજો
સાથે આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર કચેરી, પોરબંદર ખાતે અરજી સ્વીકારવામાં આવે છે, તેવી માહિતી પણ શિબિરમાં આપવામાં આવી
હતી.
શિબિર
દરમિયાન શ્રમિકોએ સિલિકોસીસ રોગ, તેની
ઓળખ, સરકારી સહાય મેળવવાની પ્રક્રિયા, જરૂરી પ્રમાણપત્રો તથા અરજી અંગે વિવિધ
પ્રશ્નો પૂછ્યા હતા, જેના અંગે સંબંધિત અધિકારીઓ અને જિલ્લા
કાનૂની સેવા સત્તા મંડળના પ્રતિનિધિઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું
હતું.
આ
પ્રકારની જાગૃતિ શિબિરોના આયોજનથી શ્રમિકોમાં વ્યવસાયલક્ષી રોગો અંગે જાગૃતિ વધશે
તેમજ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્ર શ્રમિકો
અને તેમના વારસદારો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. શિબિરનો મુખ્ય હેતુ શ્રમિકોને
તેમના આરોગ્ય, કાનૂની અધિકારો તથા સરકારની ઉપલબ્ધ
સામાજિક સુરક્ષા યોજનાઓ અંગે માહિતગાર કરી સશક્ત બનાવવાનો રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya