પ્રાકૃતિક ખેતી જમીન અને પર્યાવરણના રક્ષણ માટે શ્રેષ્ઠ વિકલ્પ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
સુરત, 25 ઓગસ્ટ (હિ.સ.) સુરત જિલ્લાની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બારડોલી તાલુકાના રાજપુરા લુંભા ગામના પ્રગતિશીલ ખેડૂત રાકેશભાઈ પટેલના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી. તેમણે ખેતરમાં વિવિધ પાકોનું નિરીક્ષણ કરી સ્
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


સુરત, 25 ઓગસ્ટ (હિ.સ.) સુરત જિલ્લાની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બારડોલી તાલુકાના રાજપુરા લુંભા ગામના પ્રગતિશીલ ખેડૂત રાકેશભાઈ પટેલના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી. તેમણે ખેતરમાં વિવિધ પાકોનું નિરીક્ષણ કરી સ્થાનિક ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો અને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્યપાલએ ફાર્મમાં ઉગાડવામાં આવેલા વિવિધ પાકોની ગુણવત્તા અને ખેતી પદ્ધતિનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે બાજુના રાસાયણિક ખેતીવાળા ખેતરમાં ઉગાડેલી શેરડી અને પ્રાકૃતિક ખેતીથી ઉગાડવામાં આવેલી શેરડીની તુલના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાસાયણિક ખેતીવાળા પાકમાં સફેદ માખી જોવા મળી હતી, જ્યારે પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડવામાં આવેલી શેરડી સ્વસ્થ જોવા મળી હતી.

ખેડૂતો સાથે સંવાદ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે કુદરતે જમીનની ફળદ્રુપતા જાળવવા માટે પોતાની વ્યવસ્થા ઊભી કરી છે. જંગલોમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ કર્યા વિના પણ વનસ્પતિ અને વૃક્ષો સારી રીતે વિકસે છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિશય ઉપયોગથી જમીનમાં રહેલા અળસિયા અને ઉપયોગી સૂક્ષ્મજીવોનો નાશ થાય છે, જેના કારણે જમીનની કુદરતી ફળદ્રુપતા ઘટે છે.

તેમણે કહ્યું કે રાસાયણિક ખેતીને કારણે જમીન કઠણ બની રહી છે, જ્યારે પ્રાકૃતિક ખેતીથી જમીનની ગુણવત્તામાં સુધારો થાય છે અને વરસાદી પાણી જમીનમાં વધુ સારી રીતે ઉતરે છે. જો રાસાયણિક ખેતીનો અતિશય ઉપયોગ ચાલુ રહેશે તો આવનારી પેઢી માટે ફળદ્રુપ જમીન અને શુદ્ધ પીવાનું પાણી બચાવવું મુશ્કેલ બનશે.

રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું હોવાની માન્યતાને નકારી કાઢતાં જણાવ્યું હતું કે જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધવાથી પાકની ઉત્પાદકતા વધે છે. પ્રાકૃતિક ખેતીથી ખેતી ખર્ચમાં પણ ઘટાડો થાય છે. ગૌ આધારિત ખેતીમાં ગાય દૂધ ઉપરાંત ખેતી માટે જરૂરી કુદરતી ખાતરનો સ્ત્રોત પણ પૂરો પાડે છે.

તેમણે ગુજરાતના અનેક ખેડૂતો દ્વારા પંચસ્તરીય ખેતી મોડેલ અપનાવી ઓછા ખર્ચે સારી આવક મેળવવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. ખેડૂતોને રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરતાં તેમણે કહ્યું કે રાસાયણિક ખેતી જમીન, પાણી અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, જ્યારે પ્રાકૃતિક ખેતી ટકાઉ કૃષિ માટે મહત્વપૂર્ણ વિકલ્પ બની શકે છે.

જૈવિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો તફાવત સમજાવતા રાજ્યપાલશ્રીએ પોતાના અનુભવો પણ ખેડૂતો સાથે વહેંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમણે પણ રાસાયણિક ખાતરોનો ત્યાગ કરીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને તેનાથી જમીનની ગુણવત્તામાં સુધારો થયો છે.

તેમણે ખેડૂતોને આવનારી પેઢીને બિનઉપજાઉ જમીનને બદલે ફળદ્રુપ અને સ્વાસ્થ્યપ્રદ જમીન સોંપવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી.

આ મુલાકાત દરમિયાન આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, મોડલ ફાર્મના ખેડૂત અને તેમના પરિવારજનો ઉપરાંત સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande