
પાટણ, 25 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લા એસ.ઓ.જી. શાખાએ ખાનગી બાતમીના આધારે સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરી ગેરકાયદે સીમકાર્ડ વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અન્ય લોકોના નામે એક્ટિવ કરાયેલા 10 સીમકાર્ડ સાથે બે આરોપી ભીલ જશુભાઇ ચમનલાલ અને ઠાકોર વિજયજી બકુલજી ઉર્ફે બકાજી દલસંગજીને ઝડપી લીધા છે. તેમની પાસેથી VI અને AIRTEL કંપનીના 10 એક્ટિવ સીમકાર્ડ તથા 1 મોબાઇલ મળી કુલ ₹30,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ભીલ જશુભાઇ ચમનલાલ જુદી જુદી દુકાનોમાંથી ગ્રાહકોના નામે સીમકાર્ડ ખરીદી તેને એક્ટિવ કરાવતો હતો. ત્યારબાદ એક સીમકાર્ડ ₹800માં વિજયજી દલસંગજીને આપતો હતો અને વિજયજી આ સીમકાર્ડ જરૂરિયાતમંદ લોકોને ₹1,000માં વેચતો હતો. આ સીમકાર્ડ ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગ માટે વેચાતા હોવાની આશંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ મામલે પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી 10 સીમકાર્ડ અને 1 મોબાઇલ સહિત કુલ ₹30,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સીમકાર્ડ કોને વેચવામાં આવ્યા હતા તેમજ તેનો ઉપયોગ કઈ પ્રવૃત્તિમાં થયો છે તે સહિતની બાબતો અંગે પોલીસે વધુ સઘન તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ