ફ્રાન્સના સર્વપ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ, યોજાશે ભવ્ય મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ
- શ્રદ્ધા, ઉપાસના, પ્રેમ અને બંધુત્વ જેવાં મૂલ્યોનું વૈશ્વિક કેન્દ્ર બનશે આ મંદિર. - મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના અવસરે મહાનગર પેરિસમાં આગામી માસમાં 2 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી 13 દિવસીય ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ – ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ યોજાશે. -
બી. એ. પી. એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિર, ફ્રાન્સ


બી. એ. પી. એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિર, ફ્રાન્સ


બી. એ. પી. એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિર, ફ્રાન્સ


બી. એ. પી. એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિર, ફ્રાન્સ


- શ્રદ્ધા, ઉપાસના, પ્રેમ અને બંધુત્વ જેવાં મૂલ્યોનું વૈશ્વિક કેન્દ્ર બનશે આ મંદિર.

- મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના અવસરે મહાનગર પેરિસમાં આગામી માસમાં 2 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી 13 દિવસીય ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ – ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ યોજાશે.

- 42 દેશોમાંથી પધારશે ભક્તો-ભાવિકો, ફેસ્ટિવલ ઓફ કલ્ચર બનશે વૈશ્વિક ઉત્સવ.

ગાંધીનગર, 25 ઓગસ્ટ (હિ.સ.) કળા, સ્થાપત્ય, સાહિત્ય અને ભવ્ય સ્મારકો માટે વિશ્વવિખ્યાત શહેર પેરિસ ખાતે નવનિર્મિત બી. એ. પી. એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિર, ફ્રાન્સનું સર્વપ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર બનવા જઈ રહ્યું છે. મધ્ય પૂર્વ પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે નિર્મિત આ મંદિર ભારતીય સ્થાપત્ય કળા અને ફ્રેંચ એન્જિનિયરિંગના સુભગ સમન્વયનું પ્રતીક છે. બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે વિવિધ ધર્મોના ઉપાસના સ્થાનોને સમાવતા Esplanade des Religions et des Cultures ક્ષેત્ર ખાતે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

2017 માં પેરિસમાં મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં યોજાયેલ સભામાં બુસી-સેંટ-જ્યોર્જેસના મેયર યાન ડ્યુબોસ્ક દ્વારા મંદિર માટે જમીન ફાળવણીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ બી. એ. પી. એસ. ના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં 2021 માં ભૂમિપૂજન વિધિ અને 2022 માં શિલાન્યાસ વિધિ સંપન્ન થઈ હતી.

મંદિરની ડિઝાઇન બી. એ. પી. એસ. દ્વારા પરંપરાગત હિન્દુ મંદિર સ્થાપત્યના સિદ્ધાંતો સાથે તૈયાર કરવામાં આવી છે, જેને ફ્રાન્સના ઈજનેરી, પર્યાવરણ અને બાંધકામના ધોરણો સાથે સાકાર કરવા પ્રસિદ્ધ ફ્રેન્ચ આર્કિટેક્ચર ફર્મ Arte Charpentier ને નિયુક્ત કરવામાં આવી હતી. આ મંદિર નિર્માણમાં Arte Charpentier ઉપરાંત Bateg (VINCI Constructionની સહયોગી કંપની) અને GS Construction (ઇન્ટિરિયર ફિનિશિંગ) પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે 13 જુલાઈ,2023 ના રોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસમાં બી. એ. પી. એસ. સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ Arte Charpentier ના આર્કિટેકટ્સ સાથે મુલાકાત કરી હતી, આ મુલાકાત દરમિયાન મંદિર નિર્માણની યોજના અને મંદિરનું 3D મોડેલ રજૂ કરવામાં આવ્યું હતું.

એપ્રિલ 2024માં, મહંત સ્વામી મહારાજે મંદિરના અંતિમ નકશા પર એક ફ્રેન્ચ શબ્દ લખીને આશીર્વાદ આપ્યા — 'Bénédictions', એટલે કે આશીર્વાદ. 2024 માં સત્તાવાર રીતે બાંધકામની શરૂઆત કરવામાં આવી; પાયાના સ્તંભનું કાર્ય ખાસ કરીને 4 જૂન 2024ના રોજ શરૂ થયું અને એ જ વર્ષે પાછળથી ભારતમાં પ્રથમ પથ્થરની પૂજનવિધિ સંપન્ન થઈ. જાન્યુઆરી 2026 માં ભારતમાં કોતરાયેલા પથ્થરોનું પ્રથમ કન્ટેનર પેરિસ ખાતે પહોંચ્યું. આ મંદિરના નિર્માણમાં ભારતીય કારીગરો અને ફ્રેન્ચ ઈજનેરોની સાથે વિખ્યાત નોત્ર-દામ કેથેડ્રલના પુનઃ સ્થાપન કાર્ય સાથે જોડાયેલ ફ્રેન્ચ સંસ્થા H Chevalier ના નિષ્ણાતો પણ સામેલ છે.

મંદિરના સ્થાપત્યની ઝલક :

પ્રાચીન ભારતીય સ્થાપત્ય શાસ્ત્રોથી લઈને આધુનિકતમ ટેક્નૉલોજીના વિનિયોગથી નિર્મિત આ મંદિરનું સર્જન તેની વિવિધતા અને કળા કૌશલ્યથી વિશ્વમાં અજોડ છે. ભારતના કુશળ કારીગરો દ્વારા હાથથી કોતરવામાં આવેલાં 1000 કરતાં વધુ પથ્થરો અને કાષ્ઠના ટુકડાઓમાં સૂક્ષ્મ અને સુંદર કોતરણી કરવામાં આવી છે. આ પ્રત્યેક ભાગને અત્યંત કાળજીપૂર્વક તૈયાર કરી, કોડ નંબર એનાયત કરી ફ્રાન્સમાં એસેમ્બલિંગ માટે મોકલવામાં આવ્યા હતા.

મંદિરનો વિસ્તાર: 5000 ચોરસ મીટર (53,800 ચોરસ ફૂટ)

5 શિખરો, 10 ઘુમ્મટો, 20 કંડારેલાં સ્તંભો, 120 ઝરૂખાઓ, 49 ચરિત્ર શિલ્પ પેનલ, 4 સુશોભિત છત્રીઓ.

આ મંદિર ઉપાસના સ્થાનની સાથે સાથે આંતર સાંસ્કૃતિક સંવાદ, શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક સેવાઓના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે, જેમાં પ્રદર્શન ખંડ, વર્ગખંડો, સભાગૃહ, સેમિનાર હૉલ, સ્પોર્ટ્સ હૉલ, અલ્પાહારગૃહ, ગિફ્ટ શોપ જેવી સુવિધાઓ હશે. આ ઉપરાંત પર્યાવરણ રક્ષા - સસ્ટેનેબિલિટીને અનુરૂપ સુવિધાઓમાં - રેઈન વૉટર હાર્વેસ્ટિંગ (વરસાદી પાણી સંગ્રહ વ્યવસ્થા), LED સેન્સર લાઈટિંગ, રૂફટોપ ગાર્ડન અને અંડરફ્લોર હીટિંગનો સમાવેશ થાય છે.

મંદિરના નિર્માણમાં મુખ્યત્વે ગ્રીસના થાસોસ માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતના અંબાજી માર્બલ અને વિયેતનામ, ઈટલીથી મેળવાયેલા માર્બલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરમાં ગ્વાલિયરના સેન્ડસ્ટોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. પથ્થરોથી બનેલા આ પરંપરાગત શિખરબદ્ધ મંદિરમાં ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મંદિરનું માળખાકીય ફ્રેમવર્ક ફ્રાન્સની આધુનિક ઈજનેરી પદ્ધતિઓ અનુસાર કોન્ક્રીટનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે.

ફેસ્ટિવલ ઓફ કલ્ચર: 2 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર

મંદિરના લોકાર્પણ પ્રસંગે 13 દિવસીય સાંસ્કૃતિક મહોત્સવ - ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર ’ – ઉજવવામાં આવશે, જે અંતર્ગત શ્રદ્ધા, સેવા અને બંધુત્વના મૂલ્યોને દ્રઢ કરાવતાં અનેકવિધ રોચક કાર્યક્રમો અને કોમ્યુનિટી ઇવેન્ટ્સ આયોજિત કરવામાં આવશે. આ મહોત્સવની સેવામાં 3000 સ્વયંસેવકો જોડાયા છે. આ મહોત્સવમાં સમ્મિલિત થવા 42 જેટલાં દેશોમાંથી ભક્તો-ભાવિકો પધારશે.

આ મહોત્સવના મુખ્ય આકર્ષણો:

2 થી 14 સપ્ટેમ્બર – વૈદિક મહાયજ્ઞ

2 સપ્ટેમ્બર - મહિલાઓ દ્વારા પાલખી યાત્રા

3 સપ્ટેમ્બર - પેરિસની સેન નદી પર 11 સુસજ્જ નૌકાઓ સાથે જલ યાત્રા. આ જલયાત્રા 1997માં પ્રમુખસ્વામી મહારાજની સેન નદી પરની નૌકાયાત્રાનું સ્મરણ કરાવે છે.

5 સપ્ટેમ્બર – નગરયાત્રા: પેરિસના જગવિખ્યાત સીમાચિહ્નો પાસેથી 14 સુશોભિત રથોમાં સાંસ્કૃતિક શોભાયાત્રા

6 સપ્ટેમ્બર – મૂર્તિપ્રતિષ્ઠા અને લોકાર્પણ

14 સપ્ટેમ્બર – હિન્દુ સાંસ્કૃતિક ઉત્સવ

ઉલ્લેખનીય છે કે 1970 માં પેરિસમાં ટૂંકા મુકામ દરમિયાન, બી. એ. પી. એસ. ના ગુરુ યોગીજી મહારાજે ફ્રાન્સમાં સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. 1982 માં એફિલ ટાવર નજીક એકત્ર થયેલા નાના સમૂહ સાથે પેરિસમાં બી. એ. પી. એસ.ની પ્રથમ સત્સંગ સભા યોજાઈ હતી. પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પે અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી બનેલું આ મંદિર પ્રાચીન ભારતીય સ્થાપત્ય, કળા, આધ્યાત્મિક વારસા અને સેવાનું વિરલ સ્થાન બની રહેશે.

કોવિડ-19 મહામારી દરમિયાન પેરિસમાં બી. એ. પી. એસ. ના સ્વયંસેવકો વરિષ્ઠ નાગરિકો, જરૂરિયાતમંદો અને ફ્રંટલાઈન વર્કર્સ માટે ભોજન, જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવાની સેવામાં જોડાયા હતા. ફ્રેન્ચ ગૃહ મંત્રાલયના આમંત્રણથી, બી. એ. પી. એસ. ના સ્વયંસેવકોએ પેરિસ ઓલિમ્પિક દરમિયાન ઓલિમ્પિક વિલેજમાં હિન્દુ ફેઇથ સેન્ટર દ્વારા સેવા આપી હતી.

આ ઉપરાંત, પેરિસના સ્વયંસેવકોએ યુકે, અમેરિકા અને યુરોપના અન્ય ભાગોમાંથી આવેલા બી. એ. પી. એસ. સ્વયંસેવકોની સાથે મળીને યુક્રેનના સંકટમાં સેવા આપી, પોલેન્ડના રઝેશોવ શહેરમાં દરરોજ આશરે 1,000 ગરમ શાકાહારી ભોજન શરણાર્થીઓને પૂરાં પાડ્યાં હતાં.

મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી બી. એ. પી. એસ. સંસ્થાના સંતો અને સ્વયંસેવકો આ મંદિર મહોત્સવની તૈયારીઓમાં અવિરત સેવાયજ્ઞ કરી રહ્યા છે. આંતરધર્મ સંવાદિતાને પ્રોત્સાહન આપતું અને વિવિધતા, સર્વસમાવેશકતા અને પરસ્પર સહઅસ્તિત્વના સીમાચિહ્નરૂપ આ મંદિર પેરિસનું નજરાણું બનશે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande