
ભાવનગર, 25 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વાહન માલિકોને વાહન સ્ક્રેપિંગ, વેચાણ તથા માલિકી હસ્તાંતરણની પ્રક્રિયા દરમિયાન સરકારના નિર્ધારિત નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
જે વાહન સ્ક્રેપ કરવાનું હોય તેનું રજિસ્ટ્રેશન આર.ટી.ઓ. કચેરી ખાતે રદ કરાવવાનું પ્રમાણપત્ર મેળવી શકાય છે અથવા સરકાર માન્ય Registered Vehicle Scrapping Facility (RVSF) ખાતે વાહન સ્ક્રેપ કરાવી શકાય છે. સ્ક્રેપિંગ પહેલાં વાહનનું રજિસ્ટ્રેશન રદ કરાવવું જરૂરી છે.
વાહન પર કોઈ લોન બાકી હોય તો તે ક્લિયર કરાવવી તેમજ કોઈ ચલણ પેન્ડિંગ હોય તો તેની ભરપાઈ કર્યા બાદ જ રજિસ્ટ્રેશન રદ કરાવી શકાય છે.
વાહનનું વેચાણ કર્યા વગર અથવા માલિકી હસ્તાંતરણની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર અન્ય વ્યક્તિને વાહન સોંપવાનું ટાળવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. અનધિકૃત વ્યક્તિ, ફાઇનાન્સર કે સ્થાનિક અનધિકૃત સેન્ટર ખાતે વાહન વેચાણ ન કરી, આર.ટી.ઓ.ના નિયમો મુજબ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.
નિયમોનું પાલન કરવાથી વાહનના અનધિકૃત વેચાણ, ગેરકાયદેસર ઉપયોગ અને અન્ય ગેરરીતિઓ અટકાવવામાં મદદ મળશે. વાહન સ્ક્રેપિંગ, રજિસ્ટ્રેશન રદ, વેચાણ અને માલિકી હસ્તાંતરણ અંગેની વધુ માહિતી VAHAN Portal/Software તથા પરિવહન વિભાગની વેબસાઇટ પરથી મેળવી શકાશે. આર.ટી.ઓ.ની ફેસલેસ સેવાઓનો લાભ લેવા માટે પણ પરિવહન વિભાગની વેબસાઇટનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA