સંસ્કાર ભારતી સ્કૂલ ખાતે યોજાયેલી સંસ્કૃત જાગૃતિ રેલીને જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરીએ લીલી ઝંડી આપી
નવસારી, 25 ઓગસ્ટ (હિ.સ.)-સંસ્કૃત ભાષાના ગૌરવ, મહત્ત્વ અને ભારતીય સંસ્કૃતિમાં તેના અમૂલ્ય યોગદાન અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી નવસારીમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્કાર ભારતી સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષ
નવસારીમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી


નવસારી, 25 ઓગસ્ટ (હિ.સ.)-સંસ્કૃત ભાષાના ગૌરવ, મહત્ત્વ અને ભારતીય સંસ્કૃતિમાં તેના અમૂલ્ય યોગદાન અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી નવસારીમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્કાર ભારતી સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સંસ્કૃતપ્રેમી નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે યોજાયેલી સંસ્કૃત જાગૃતિ રેલીને જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના મહત્ત્વને દર્શાવતા વિવિધ સંદેશો તથા સૂત્રોચ્ચાર સાથે નગરમાં જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

કાર્યક્રમમાં સંસ્કૃત ભાષા ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કારોની સમૃદ્ધ ધરોહર હોવાનું જણાવાયું હતું.

વેદ, ઉપનિષદ, રામાયણ અને મહાભારત સહિતના પ્રાચીન ભારતીય જ્ઞાનસાહિત્યમાં સંસ્કૃતનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે. આધુનિક સમયમાં પણ નવી પેઢીમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રસ અને અભ્યાસની ભાવના વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.

સંસ્કૃત સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે રુચિ વધે અને તેઓ ભારતીય સંસ્કૃતિ તથા જ્ઞાન પરંપરા સાથે જોડાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સંસ્કૃતમાં પ્રાર્થના, શ્લોકપઠન, સંવાદ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.

જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરીએ સંસ્કૃત ભાષાના જતન અને સંવર્ધન માટે વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોને બિરદાવ્યા હતા.

સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી દ્વારા નવસારી જિલ્લામાં સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ અને અભિરુચિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ સંસ્કૃત ભાષાના જતન, સંવર્ધન અને પ્રચાર-પ્રસાર માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર કેયૂરીબેન દેસાઈ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande