

પોરબંદર, 25 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર
જિલ્લા પંચાયત દ્વારા આજે સર્કિટ હાઉસ ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં
વિવિધ વિકાસલક્ષી કામો સહિતના મુદ્દાઓ પર
ચર્ચા કરવામાં આવી હતી. 16મા નાણાપંચ અંતર્ગતરૂ. 2.72 કરોડ તેમજ સ્વફંડના આયોજન મુજબરૂ. 1.15 કરોડ મળી કુલ રૂ. 3.88 કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી.
આ ઉપરાંત અગાઉ મંજૂર કરવામાં આવેલા શાળાના કામોની પણ ચર્ચા કરવામાં આવી હતી અને અગાઉ મંજૂર થયેલા કેટલાક
કામોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો..સામાન્ય સભામાં ગોરસર અને મોચા ગ્રામ પંચાયતને અલગ કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બહાલી મળ્યા બાદ હવે આ દરખાસ્ત વિકાસ કમિશનરને મોકલવામાં આવશે. વિકાસ કમિશનર તરફથી મંજૂરી મળ્યા બાદ ગોરસર અને મોચા ગ્રામ પંચાયતને અલગ કરવાની પ્રક્રિયા
હાથ ધરવામાં આવશે. બીજી તરફ પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેતી અને પાકની સ્થિતિ અંગે પણ સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવી હતી. વરસાદના અભાવે પાકને અસર થવાની સંભાવના વચ્ચે ખેડૂતોની સ્થિતિ અંગે
સભ્યો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી.
આ અંગે ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું
કે, સત્તાવાર રીતે ચોમાસું હજુ પૂર્ણ થયું
નથી, તેથી હાલ પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત
જાહેર કરવામાં આવશે નહીં.જોકે પાકની સ્થિતિ અંગે સર્વેની
કામગીરી કરવામાં આવશે અને પાકને થયેલા નુકસાન તથા સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. સામાન્ય સભામાં વિકાસ કામો, ગ્રામ પંચાયતના વિભાજન અને ખેતી સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા બાદ સંબંધિત ઠરાવોને બહાલી આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya